ઝઘડીયા તાલુકાના સારસા ગામે કપીરાજનો આતંકઃ વૃધ્ધા પર હુમલો કર્યો
(તસ્વીર ઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે મોટી સંખ્યામાં વાનરો વસી રહ્યા છે.ઘણીવાર વાનરો દ્વારા માણસો પર હુમલા પણ કરવામાં આવતા હોય છે.આજે ગામના પટેલ ફળિયામાં રહેતા કાંતાબેન જયંતીભાઈ પટેલ નામના ૮૫ વર્ષીય વૃધ્ધા પર એક મોટા વાનરે હુમલો કરીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરતા આ વૃધ્ધાને અંકલેશ્વર ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી.
મળતી વિગતો મુજબ આ વૃધ્ધા તેના ઘરના પાછળના વાડામાં ઉભી હતી તે દરમ્યાન ગામમાં રહેતા વાનરો પૈકી એક મોટો વાનર ત્યાં આવી ગયો હતો.વાનર ઘરમાં ન ઘુસી જાય તે માટે વૃધ્ધાએ તેને ભગાડવાની કોશિશ કરતા વાનરે રીતસર ક?ાંતાબેન પર રીતસર હુમલો કરી દીધો હતો.
વાનરે આ વૃધ્ધ મહિલાના હાથની આંગળી તોડી નાંખી હતી.ઉપરાંત પગનો ઉપરનો તેમજ નીચેનો પગની એડીનો ભાગ ફાડી નાંખ્યો હતો.ગંભીર રીતે ઝખ્મી થયેલ વૃધ્ધા ક?ાંતાબેનને તાત્કાલિક અંકલેશ્વર સારવાર માટે લઈ જવાયા હતા.આ પહેલા પણ ગામમાં કેટલાક માણસો વાનરના હુમલાનો ભોગ બન્યા હતા.સારસા ગામે વાનર દ્વારા વૃધ્ધ મહિલા પર હુમલો કરાયો હોવાની ઘટના બાદ ગ્રામજનોમાં ચિંતા ફેલાવા પામી છે.