રક્ષાબંધને ભાઈને રાખડી બાંધી ફરી રહેલી મહિલા કોન્સ્ટેબલ અને ૫ વર્ષની બાળકીનું અકસ્માતમાં મોત
જેતપુર, રક્ષાબંધનના દિવસે રાજ્યમાં અકસ્માતની બે ઘટનાઓ બની છે. બંનેમાં ભાઈને રાખડી બાંધીને પરત ફરી રહેલી બહેનોએ જીવ ગુમાવ્યા છે. જેતપુર તાલુકાના અમરાપર ગામના વતની અને જેતપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ હર્ષિતાબેન નાના ભાઈને સવારે હોંશભેર રાખડી બાંધવા માટે ગયા હતા. ભાઈ સાથેની આ છેલ્લી મુલાકાત બની રહેશે એવું તો વિચાર્યું પણ ન હતું.
રાખડી બાંધીને જ્યારે તેઓ ડ્યૂટી પર પરત જતા હતા ત્યારે એક બાઈકે અડફેટે લેતા એમનું મૃત્યું થયું છે. જેના કારણે રક્ષાબંધનના પર્વ પર પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો હતો. અમરાપરથી એક્ટિવા પર પોતાની ફરજ પર જઈ રહેલા હર્ષિતાબેનને સામેથી પુરપાટ વેગમાં આવતા બાઈકે અડફેટે લેતા દૂર સુધી ફંગોળાયા હતા. લોહી નીતરતી સ્થિતિમાં યુદ્ધના ધોરણે હોસ્પિટલ સારવાર હેતું ખસેડાયા હતા. સારવાર દરમિયાન દમ તોડતા પોલીસ બેડામાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. હર્ષિતાબેન કંડક્ટર અને તલાટીની પરીક્ષામાં સારા માર્ક સાથે પાસ આઉટ થયા હતા. એ પછી પોલીસની ભરતી આવતા સારા રેન્ક સાથે પાસ થયા હતા. ત્યાર બાદ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે પોસ્ટ મળી હતી. બીજી તરફ ભાવનગર જિલ્લામાં રાખડી બાંધીને પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં એક બહેનનું મોત થયું હતું. ભાવનગર પાસેના નવાગામ બડેરી પાસે રહેતા દલપતભાઈ રાઠોડ તથા પત્ની દેવુંબેન વહેલી સવારે બાઈક પર રંધોળા ગામ પાસે ભાઈ રાખડી બાંધવા નીકળ્યા હતા.
રાખડી બાંધ્યા બાદ દંપતિ જ્યારે પરત ફરી રહ્યું હતું ત્યારે સિહોર-સોનગઢ હાઈવે પર ઈકોકારના ચાલકે બાઈકને અડફેટે લેતા દંપતિ અથડાયું હતું. જેમાં દેવુંબેનને ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ પ્રાણ પંખીરૂ ઊડી ગયું હતું. જ્યારે પતિને ગંભીર ઈજા થઈ હતી. આ કેસમાં પતિની સામે પત્નીનું મૃત્યું થયું હતું. દલપતભાઈને ગંભીર ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત થતા આસપાસમાંથી લોકો એકઠા થઈ ગયા હતા. મૃતક મહિલાને સિહોર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે ઈકોકારનો ચાલક ઘટના સ્થળેથી નાસી જતા શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.
બંને કેસમાં રક્ષાબંધનના દિવસે જ બહેનનું મોત થતા બંને પરિવારો પર આભ તૂટી પડ્યું હતું. બીજી તરફ ઉપલેટાના બાંટવા ગામે રહેતી મહિલા પોતાના ભાઈને રાખડી બાંધવા માટે ઉપલેટા આવી હતી. આ સાથે ૫ વર્ષની બાળકી પણ આવી હતી. રક્ષાબંધન ઉજવી ભાઈ બહેન તથા ભાણેજને મૂકવા માટે બાઈક પર યુવક જતો હતો ત્યારે અકસ્માત નડ્યો હતો. જેમાં પાંચ વર્ષની બાળકીનું મૃત્યું થયું હતું.HS