Western Times News

Gujarati News

રાષ્ટ્રની આઝાદીની લડતમાં ગુજરાતનું પ્રદાન

28-7-42ના રોજ અમદાવાદમાં વિદ્યાર્થીઓને સંબોધતાં સરદાર પટેલે કહ્યું હતું કે, બધાને સરકાર પકડી લેશે તો શું થશે? એનો જવાબ એ છે કે તમારે દરેકે સરદારી લેવાની છે.

બોરસદમાં વલ્લભભાઈ, દરબાર સાહેબ ને અબ્બાસસાહેબના નેતૃત્વમાં સત્યાગ્રહ થયો. સૌરાષ્ટ્રના કેટલાંક રાજ્યોનું વલણ અંગ્રેજ તરફી હોવાથી ત્યાંની પ્રજા દુ:ખી હતી. વિવિધ લડતોમાં ઢેબરભાઈ, ડૉ. જીવરાજ મહેતા તથા ઝવેરચંદ મેઘાણી જેવા રાષ્ટ્રીય શાયરે મહત્વની ભૂમિકા ભજવી. ઝવેરચંદ મેઘાણીને રાજદ્રોહના કેસમાં ધાંગ્રધાની અદાલતમાં સજા થઈ.

દેશની આઝાદીના સંગ્રામમાં ગુજરાતના પ્રદાનની નોંધ ન લેવાય તો સમગ્ર સ્વાતંત્ર્યની ચળવળ એકડા વિનાના મીંડા જેવી લાગે. સમગ્ર લડતના મુખ્ય સૂત્રધારો પૈકીના બે ગુજરાતી સપૂતો મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનાં પ્રદાન વિના ભારતની સ્વાતંત્ર્ય ચળવળનો ઇતિહાસ સાવ અધૂરો લાગે.

આઝાદીની લડતનો આરંભ તો દેશમાં 1857ના વિપ્લવથી થયો અને તેની અસર ગુજરાતના ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં વધુ થઈ. નાંદોદ, દાહોદ, પાલા, જાંબુઘોડા, ગોધરા, સંતરામપુર, ડભોડા, અનગડ, ખાનપુર વગેરે સ્થળે 1857નાં વિપ્લવની વધુ અસર જોવા મળી હતી. અમદાવાદમાં સૈનિકો અને આણંદના મુખી ગરબડ હરિદાસે પણ ફોજ તૈયાર કરેલી. ૧૮૫૯માં ઓખામંડળમાં વાઘેરોએ પણ લડત ચલાવી હતી. પરંતુ આ બધા પ્રયાસો નિષ્ફળ છતાં ગુજરાતમાં પણ લડતનો એક આરંભ હતો.

નિષ્ફળતાથી નિરાશા ખંખેરીને ઇચ્છારામ દેસાઈ ફિરોજ મહેતા, નથ્થુરામ શર્મા, મણિભાઈ દ્વિવેદી, કલાપી, કેશવ ધ્રુવ, ડૉ. ત્રિભુવન ગજ્જર, રમણભાઈ નીલકંઠ, કૃષ્ણલાલ ઝવેરી, ગોવર્ધનરામ ત્રિપાઠી, નરસિંહરાવ દિવેટીયા, ગાંધીજી, સરદાર પટેલ ઠક્કર બાપા, બળવંતરાય ઠાકોર, આનંદશંકર ધ્રુવ, વિઠ્ઠલભાઈ પટેલ, ભૂલાભાઈ દેસાઈ, ઇન્દુલાલ યાજ્ઞિક, શંકરલાલ બેંકર, રવિશંકર મહારાજ જેવા અનેકના નેતૃત્વ નીચે ગુજરાત આઝાદીની લડતના વિવિધ તબક્કામાં અગ્રેસર હતું.

1878માં સુરતમાં ઇચ્છારામ દેસાઈના નેતૃત્વ હેઠળ હડતાળ પડી હતી. ને કેસ થતાં ફીરોજ મહેતાએ મુકદ્દમો લડીને તેમને છોડાવ્યા હતા. 1875માં સ્વદેશી ચીજોના ઉપયોગની ચળવળ અંબાલાલ સાકરભાઈ દેસાઈને હરગોવિંદદાસ કાંટાવાળાના નેતૃત્વમાં શરૂ થઈ હતી. 1874માં નવસારીમાં પારસી મહિલાએ રેંટિયો તથા સૂતર માટે સત્યાગ્રહ કર્યો હતો.

1885માં રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ તેમાં બે ગુજરાતી ફીરોજ મહેતા ને દાદાભાઈ નવરોજીએ ભાગ લીધો હતો. દાદાભાઈ નવરોજી અને નર્મદે લડત માટેની જાગૃતિની હવા ઊભી કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.

કચ્છના ક્રાંતિવીર શ્યામકૃષ્ણ વર્માએ ઇંગ્લૅંડમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરીને ‘સોશિયોલોજિસ્ટ’ નામનું ક્રાંતિકારી પત્ર શરૂ કર્યું હતું. 1902માં અમદાવાદમાં અને 1907માં સુરતમાં કોંગ્રેસ અધિવેશન યોજાયાં. ત્યારબાદ 1915માં ગાંધીજીનું ભારત આગમન થતાં કોચરબ આશ્રમની ને ત્યારબાદ સાબરમતી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના થઈ હતી. જે આઝાદીની લડતમાં બે મહત્વનાં કેન્દ્રો બની ગયાં હતાં. રણજીતરામ મહેતાએ વિચારક તથા સુધારકની ભૂમિકા ભજવી હતી.

1848માં ગુજરાત વિધાનસભાને 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના થઈ હતી. જેમાં દુર્ગારામ મહેતા, મહિપતરામ, કરશનદાસ મૂળજી, દલપતરામ વગેરે મુખ્ય હતા. કાઁગ્રેસનું બીજું અધિવેશન કોલકત્તામાં ગુજરાતી દાદાભાઈ નવરોજીને ત્રીજું અધિવેશન ગુજરાતી બદરૂદ્દીન તૈયબજીના અધ્યક્ષસ્થાને મદ્રાસમાં મળ્યું હતું.

પરદેશમાં શ્યામકૃષ્ણ વર્મા ઉપરાંત સરદારસિંહ રાણા, માદામ ભીખાઈજી કામા વગેરે પણ સ્વાતંત્ર્યની લડત ચલાવી રહ્યા હતા. શસ્ત્રક્રાંતિની પ્રેરણા વડોદરાના અરવિંદ ઘોષ પાસેથી અંબુભાઈ પુરાણીએ મેળવી હતી. 1914માં હોમરૂલ લીગ તથા પ્રાંતિક પરિષદ જેવી સંસ્થાઓ ગુજરાતમાં કામ કરતી થઈ હતી. ૧૯૨૧માં અમદાવાદમાં પણ કોંગ્રેસ અધિવેશન મળ્યું હતું.

મુંબઈમાં શરૂ થયેલ ‘યંગ ઇંન્ડિયા’નું સંપાદન ગાંધીજીને સોંપાયું. ઇન્દુલાલ યાજ્ઞિકે શરૂ કરેલ ‘નવજીવન’ માસિકનું તંત્રીપદ પણ ગાંધીજીએ સ્વીકાર્યું. ને આ પત્રોએ આઝાદીની લડતમાં જાગૃતિ કેળવવા ઝુંબેશ ચલાવી હતી. 1918માં મિલમજૂરોની હડતાળનું ગાંધીજીએ નેતૃત્વ કર્યું. ત્યારબાદ ખેડા સત્યાગ્રહ થયો.

ગાંધીજીએ સ્વદેશી શિક્ષણ માટે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરીને લડતના પ્રચાર માટે ‘નવજીવન’ પ્રેસ શરૂ કરાયું. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન જેવી શિક્ષણ સંસ્થાઓ પણ શરૂ થઈ. 1922માં ગાંધીજી પર રાજદ્રોહનો કેસ ચાલ્યો ને ગાંધીજીને 6 વર્ષની ને નવજીવનના પ્રકાશક તરીકે શંકરલાલ બેંકરને દોઢ વર્ષની સજા થઈ.

બોરસદમાં વલ્લભભાઈ, દરબાર સાહેબ ને અબ્બાસસાહેબના નેતૃત્વમાં સત્યાગ્રહ થયો. સૌરાષ્ટ્રના કેટલાંક રાજ્યોનું વલણ અંગ્રેજ તરફી હોવાથી ત્યાંની પ્રજા દુ:ખી હતી. વિવિધ લડતોમાં ઢેબરભાઈ, ડૉ. જીવરાજ મહેતા તથા ઝવેરચંદ મેઘાણી જેવા રાષ્ટ્રીય શાયરે મહત્વની ભૂમિકા ભજવી. ઝવેરચંદ મેઘાણીને રાજદ્રોહના કેસમાં ધાંગ્રધાની અદાલતમાં સજા થઈ.

1928માં ઐતિહાસિક બારડોલી સત્યાગ્રહ વલ્લભભાઈના નેતૃત્વમાં લડાયો. 1930માં ગાંધીજીની રાહબરી નીચે દાંડીકૂચ યોજાઈ. જેનાથી સમગ્ર વિશ્વનું ભારતની સ્વાતંત્ર્યની લડત પ્રત્યે વધુ ધ્યાન દોરાયું. 1935માં ગુજરાતી મહિલાઓ વિદ્યાગૌરી નિલકંઠ અને શારદાબહેન મહેતાએ સ્ત્રી કેળવણી થકી સ્ત્રીઓને જાગૃતિનું કામ કર્યું તો મજૂર ચળવળનું નેતૃત્વ 1914થી અનસૂયાબહેન સારાભાઈ સંભાળતાં હતાં. 1939માં રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા વગેરે પકડાયા. 1931માં કરાંચી અધિવેશનના પ્રમુખ પણ ગુજરાતી સપૂત સરદાર પટેલ હતા.

1942ની ‘હિંદ છોડો’ની આઝાદીની લડતના અંતિમ તબક્કામાં પણ ગુજરાતની દેશદાઝ મોખરે હતી. અડાસમાં વિદ્યાર્થીઓ પર ગોળીબાર, અમદાવાદમાં ઉમાકાંત કડિયાને વિનોદ કિનારીવાળા શહીદ થયા. અમદાવાદના મિલમજૂરોએ પણ 105 દિવસથી હડતાળ પાડીને અનેક મજૂર નેતાઓની ધરપકડ થઈ.

કસ્તૂરબા, સરદારનાં પુત્રી કુ. મણિબહેન પટેલ, મૃદુલા સારાભાઈ, ભક્તિબા દેસાઈ જ્યોત્સના બહેન શુકલ, અનસૂયાબહેન સારાભાઈ, મીઠુબહેન પીટીટ, ગંગાબહેન ઝવેરી, સુમિત્રાબહેન ભટ્ટ, ઉર્મિલાબહેન ભટ્ટ, દેવીબહેન પટ્ટણી, શારદાબહેન શાહ,

સરલાબહેન સારાભાઈ, નિલમબહેન મહેતા, રમાબહેન મહેતા, હીરાબહેન બેટાઈ, તારાબહેન મોડક, ગેમાબહેન ચૌધરી, ગંગાબહેન ચૌધરી, પુષ્પાબહેન વ્યાસ, સવિતાબહેન દેસાઈ, સૂરજબહેન પટેલ સહિત અનેક મહિલાઓનો સ્વાતંત્ર્યની જુદી જુદી લડતોમાં નોંધપાત્ર ફાળો હતો. કસ્તૂરબા ને મણિબહેન પટેલે અનેકવાર જેલવાસ વેઠયો હતો અને કસ્તૂરબાનું જેલવાસ દરમિયાન પૂનાના આગાખાન મહેલમાં અવસાન થયું હતું.

આઝાદીની લડત લડવા અમદાવાદના રાષ્ટ્રીય વિદ્યાર્થીમંડળની સ્થાપના કરવામાં આવી હતી. જેને 1942માં સરદાર પટેલે સંબોધન કરીને પ્રેરણા પૂરી પાડી હતી. 1942માં અમદાવાદમાં માત્ર 4 કોલેજોને 35 જેટલી નાની મોટી શાળાઓ હતી. તેના મોટાભાગના વિદ્યાર્થીઓ સરકારી અંકુશ હેઠળની શાળાઓ છોડીને ગાંધીજી સ્થાપિત રાષ્ટ્રીય શિક્ષણની વિવિધ સંસ્થાઓમાં અભ્યાસ કરવા જોડાયા હતા. 1930માં હજારો વિદ્યાર્થીઓ સભા-સરઘસ-ને હડતાલમાં ભાગ લઈને જેલમાં ગયા હતા.

પોલીસે કોલેજોમાં ઘૂસીને વિદ્યાર્થીઓને માર માર્યો હતો. 1936માં અખિલ હિન્દ વિદ્યાર્થી પરિષદનું લખનૌમાં અધિવેશન મળ્યું તેમાં ગુજરાત મહારાષ્ટ્રના 986થી વધુ વિદ્યાર્થીઓએ હાજરી આપીને ભાગ લીધો હતો.

1942માં હિંદ છોડોની ચળવળમાં ખાડિયા ને કાલુપુરમાં વિદ્યાર્થીઓએ જંગી સરઘસો કાઢ્યાં હતાં અને મકાનના છાપરાં પર લાઉડસ્પીકર બાંધીને ‘અંગ્રેજો ચાલ્યા જાવ’ના નારા લગાવ્યા હતા. રાત્રે યુવાનો બ્યૂગલો વગાડીને મકાનો પર ચડી જતા. પોલીસ મકાનોમાં ઘૂસીને ઉપર ચડીને તેમને પકડી લેતી હતી ને તેમનાં બેન્ડ, બ્યૂગલ કબજે કરી લેતી હતી.

કોલેજ જતાં વિદ્યાર્થીઓને આંદોલનકારી વિદ્યાર્થીઓ તરફથી ચેતવણી આપવામાં આવતી હતી કે જો તમે કોલેજ જશો તો તમારાં પુસ્તકો-સાઇકલ વગેરે લઈ લેવામાં આવશે. 1942ની 9મી ડિસેમ્બરના રોજ શહેરમાં ઠેર ઠેર પથ્થરબાજી ને ગોળીબાર પણ થયા હતા.

કેટલીક જગાએ બોમ્બ ધડાકા થયા હતા ને એક વિદ્યાર્થીને ગંભીર ઇજા થતાં તે શહીદ થયો હતો. કેટલીક કોલેજો શરૂ કરાતાં વિદ્યાર્થીઓએ તે બંધ કરાવી દીધી હતી. કેમકે કોલેજો શરૂ થાય તો વિદ્યાર્થીઓ ભણવા જાય ને આંદોલન મંદ પડી જાય.

વિદ્યાર્થી સંગ્રામ સમિતિના કાર્યકરોએ કોલેજમાં જઈને તેના ટેલીફોનના વાયર કાપી નાખ્યા હતા. તે કોલેજ બંધ કરાવી દીધી હતી. 1942માં ‘વાનરસેના’ દિનની ઉજવણી કરાઈ હતી અને અંગ્રેજો વિરુદ્ધ વાનરસેનાએ સરઘસો કાઢ્યાં હતાં. 1942માં વિદ્યાર્થી મંડળની સ્થાપના ટાણે અમદાવાદમાં સરદાર પટેલે કહ્યું હતું કે, ‘‘અંગ્રેજ સરકાર ગાંધીજી પર હાથ ઉપાડે તો તમારાં પુસ્તકો છાજલી પર મૂકજો ને તમને ભગવાન સુઝાડે તે કરજો.’’

આમ 1942માં વિદ્યાર્થીઓની લડત, જુસ્સો ને આઝાદી મેળવવાની તમન્ના ટોચ પર હતાં. સ્વાતંત્ર્ય સેનાની સ્વ. બ્રહ્મકુમાર ભટ્ટ સહિત અનેક વિદ્યાર્થીઓ લડતમાં સક્રિય હતા.

આ સરદારી માટે લશ્કરી તાલીમ કે દાક્તરી તપાસની જરૂર નથી. એમાં તો દિલનું બળ જોઈએ. ગાંધીજીને જુઓ તો તમારામાંથી કોઈ એના કરતાં નબળો નહીં હોય પણ એ એક અવાજ કાઢે છે તેનો પડઘો આખા વિશ્વમાં પડે છે. એના અવાજથી તો હિંદ જગતની બત્રીશીએ ચડ્યું છે. એણે અવાજ કાઢ્યો કે, જાઓ ભાઈ, અહીંથી તમારા મૂલકમાં ચાલ્યા જાવ.’

29-7-42ના રોજ રાષ્ટ્રીય વિદ્યાર્થી મંડળ સમક્ષ અમદાવાદમાં વિદ્યાર્થીઓને સંબોધતાં સરદાર પટેલે કહ્યું હતું કે, ગાંધીજીની લડત ચાલે કે તરત જ ચોપડીઓને કબાટમાં તાળાં વાસીને મૂકી દેજો. પ્રિન્સિપાલ કહે કે, ભણો તો તેને કહી દેજો કે લડત પૂરી થઈ ગયા પછી આવજો ને અમને ભણવાનું કહેજો પછી અમે ભણવા આવીશું. મણિલાલ એમ. પટેલ * લેખક શ્રી વરિષ્ઠ કટાર લેખક છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.