બિગબોસ ફેઈમ અર્શી ખાનની અફઘાન ખેલાડી સાથે સગાઈ નહીં થઈ શકે
મુંબઈ, તાલિબાને અફઘાનિસ્તાન પર કબજાે મેળવી લીધો છે તેના કારણે ટીવી અભિનેત્રી અર્શી ખાન ઘણી ચિંતામાં છે. અર્શીનું કહેવું છે કે તેના પિતાએ અફઘાનિસ્તાનના એક ક્રિકેટર સાથે તેની સગાઈ કરાવી હતી અને હવે તેને ડર છે કે વર્તમાન સ્થિતિને કારણે પરિવાર સગાઈ કેન્સલ ના કરી નાખે. અર્શીએ કહ્યું કે, ઓક્ટોબરમાં મારી અફઘાનિસ્તાનના ક્રિકેટર સાથે સગાઈ થવાની હતી. તેને મારા પિતાએ મારા માટે પસંદ કર્યો હતો પરંતુ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી અમે આ સંબંધ તોડી શકીએ છીએ. હું મારા મંગેતર સાથે સંપર્કમાં હતી. તે મારા પિતાના મિત્રનો દીકરો છે. અમે વાતચીત કરતા હતા અને મિત્રની જેમ જ છીએ, પરંતુ હવે મને વિશ્વાસ છે કે મારા માતા-પિતા મારા માટે ભારતીય પાર્ટનરની શોધ કરશે. અર્શીએ આગળ જણાવ્યું કે, મારો પરિવાર મૂળ અફઘાનિસ્તાનનો છે, પરંતુ હું ભારતીય નાગરિક છું. મારા માતા-પિતા અને દાદા-દાદી પણ ભારતીય છે. હું એક અફઘાની પઠાણ છું અને મારો પરિવાર યુસુફઝઈ એથનિક ગ્રુપ સાથે સંબંધ ધરાવે છે.
મારા દાદા અફઘાનિસ્તાનથી ભારત આવ્યા હતા અને અહીં ભોપાલમાં તેઓ જેલર હતા. ઉલ્લેખનીય છે કે અર્શી ખાન બિગ બૉસની ૧૧મી સીઝનમાં કન્ટેસ્ટન્ટ હતી અને સીઝન ૧૪માં ચેલેન્જર બનીને તેણે શૉમાં એન્ટ્રી કરી હતી. અર્શી બિગ બોસ સિવાય અન્ય રિયાલિટી શૉ અને મ્યુઝિક વીડિયોઝમા કામ કરી ચૂકી છે. આ સિવાય તે સાવિત્રી દેવી કોલેજ એન્ડ હોસ્પિટલ, વિષ અને ઈશ્ક મેં મરજાંવા જેવા ટીવી શૉમાં દેખાઈ હતી. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ પર બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના અનેક લોકોએ ચિંતા વ્યક્ત કરી છે. લવયાત્રી ફિલ્મની અભિનેત્રી વરિના હુસૈને પણ અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ પર કહ્યું છે કે, શાંતિની શોધમાં એક દેશમાંથી બીજા દેશમાં ભટકવાની પીડા તે સમજી શકે છે. ૨૦ વર્ષ પહેલા વરિનાનો પરિવાર પણ અફઘાનિસ્તાન છોડીને ગયો હતો.SSS