ભાજપ એટલે પાટીદાર એવું કંઈ નથી ભૂલમાં ય ન માનવું: લાલજી પટેલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/Lalji-patel-1024x768.jpg)
અમદાવાદ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, અલગ અલગ રાજકીય પક્ષોએ જનતાનો સંપર્ક શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટીએ જન સંવેદના યાત્રાથી લોકોની મુલાકાત શરુ કરી છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ જન આશીર્વાદ યાત્રાથી લોકોની મુલાકાત શરુ કરી છે. ત્યારે જન આશિર્વાદ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરસોતમ રૂપાલાએ નિવેદન કર્યું હતું કે ભાજપ એટલે પાટીદાર અને તેમના નિવેદનને લઈને હવે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ નિવેદનથી પાટીદારોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યા બાદ ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલે કહ્યું હતું કે, પહેલાથી હું કહેતો આવું છું કે પાટીદાર ભોળો સમાજ છે. પાટીદારની અંદર વિભાજન હોઈ શકે થોડા લોકો ભાજપમાં હોય પરંતુ ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં પણ છે અને કોંગ્રેસમાં પણ છે. એટલે મનસુખ માંડવિયા ભાજપમાં હોય તો એમનો વિચાર હોઈ શકે પરંતુ ખોડલધામ મંદિરના પટાંગણમાંથી હું એમ જ કહીશ કે દરેક સમાજના લોકો દરેક પક્ષની અંદર વહેંચાયેલા હોય તો તે તેના સ્થાને કામ કરે છે.
નરેશ પટેલ બાદ હવે એસપીજીના પ્રમુખ લાલજી પટેલ પણ મેદાને આવ્યા છે અને તેમણે એવું નિવેદન આપ્યું છે કે, ભાજપ એટલે પાટીદાર એવું કંઈ નથી અને કોઈએ ભૂલમા ય આ ન માની લેવું. પાટીદારો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સહિત બધા જ રાજકીય પક્ષોની સાથે છે.એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે, વિધાનસભાની ચૂંટણીને જાેતા કેન્દ્રીય મંત્રીમંડળમાં પાટીદાર મંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં પાટીદારો જે રીતે જાેડાઈ રહ્યા છે તે જાેઈને ભાજપની કેન્દ્રીય ગુજરાતની નેતાગીરી ચિંતામાં મૂકાઈ છે એટલા માટે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા ગુજરાતના પાટીદારોના ગઢ સમાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જન આશીર્વાદ યાત્રા અંતર્ગત લોકોની મુલાકાત કરી રહ્યા છે.
તો બીજી તરફ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરીયા, અનામત આંદોલન સાથે જાેડાયેલા કાર્યકતા એસપીજીની સાથે મળીને પાટીદાર અનામત આંદોલન ૨ શરૂ કરવાના મૂડમાં છે અને આ બાબતે દિનેશ બાંભણીયા, અલ્પેશ કથીરિયા અને લાલજી પટેલ વચ્ચે એક બેઠક પણ મળી હતી.HS