નકલી પોલીસ બની ડરાવતા પતિનો ભાંડો પત્નીએ ફોડ્યો

બરેલી, વ્યક્તિએ ખાખી વર્દી પહેરી હોય ત્યારે તેને સમાજ સેવાની મહત્વની જવાબદારી સોંપાતી હોય છે. પરંતુ આ વર્દીનો દુરોપયોગ કરનારા અને નકલી પોલીસકર્મી બનીને રોફ જમાવનારાઓના કિસ્સા પણ સામે આવતા રહે છે.
ઉત્તરપ્રદેશના રામપુર જિલ્લાના ટાંડામાં એક પ્રાથમિક શાળાની શિક્ષિકા પોતાના પતિનો નકલી પોલીસ બનીને લોકોને ડરાવવા તથા ધમકાવવાના જે કામ કરતા હતા તેની પોલ ખોલી નાખી છે. શિક્ષિકાએ પતિ દ્વારા વર્દીનો રોફ બતાવવા નકલી પોલીસ કર્મી બનીને ફરતો હોવાની વાત પોલીસને જણાવી દીધી હતી. મહિલાએ પોલીસને એ પણ જણાવ્યું કે તેનો પતિ તેના આધારકાર્ડનો દુરોપયોગ પણ કરે છે, તેણે આધારકાર્ડ પર અન્ય મહિલાનો ફોટો લગાવી દીધો છે.
મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો કે તેના પતિના અન્ય મહિલાઓ સાથે આડા સંબંધ પણ છે. પોલીસે જણાવ્યું કે, મહિલાની ફરિયાદના આધારે તેના પતિ વીર સિંઘ (૩૫) સામે પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે. વીર પણ પ્રાથમિક શિક્ષક તરીકે ટાંડામાં ફરજ બજાવે છે. રામપુર (સિટી) એસપી અંકિત મિત્તલે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતોમાં જાણવા મળ્યું કે મહિલાની ફરિયાદ સાચી ઠરી છે.
મહિલાનો પતિ પોલીસની વર્દી પહેરીને ખોટી રીતે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઉભો કરતો હતો અને તેમને ડરાવતો હતો. તે પોતે પણ શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમ છતાં આ પ્રકારના કામ કરે છે. રામપુર પોલીસના સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીનો ભાઈ યુપી પોલીસમાં છે અને તેનું હાલ પોસ્ટિંગ નાજીબ્બાબાદ જિલ્લામાં છે. ઊંડી તપાસ શરુ કરવામાં આવી છે.
એસપી અંકિતે ઉમેર્યું કે, વીર સામે આઈપીસીની કલમ ૪૨૦, ૪૬૭,૪૬૮, ૪૭૧ અને ૧૭૧ હેઠળ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરુ કરાઈ છે.SSS