૨૩ લાખ રૂપિયાની લોન લેવા જતાં ૯.૪૦ લાખ ગુમાવ્યા
અમદાવાદ, સાણંદ જીઆઈડીસીના સુપરવાઈઝરે પોલિસી અને ૨૩ લાખ રૂપિયાની લોન લેવા જતાં ગઠિયાએ તેની પાસેથી ૯.૪૦ લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે. સુપરવાઈઝરે ગ્રામ્ય સાયબર ક્રાઈમમાં ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
સત્યપાલસિંહ સાણંદ જીઆઈડીસીની પ્રાઈવેટ કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. એક વર્ષ અગાઉ સત્યપાલસિંહ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે કહ્યું કે હું ભારતીય બેન્કમાંથી વાત કરું છું, જાે તમારે પોલિસી ઉતારવી હોય તો અમે સેવિંગ પોલિસી ઉતારીએ છીએ,
જેથી સત્યપાલસિંહે ૨૫ હજાર રૂપિયાની વાર્ષિક પોલિસી તેમના નામથી લીધી હતી, જેના રૂપિયા ગઠિયાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ગઠિયાએ સત્યપાલસિંહને કહ્યું કે હજુ તમારે વધુ બે પોલિસી લેવી પડશે, જેથી સત્યપાલસિંહે પત્નીના નામે પોલિસી લઈને રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
ત્યારબાદ ગઠિયાએ સત્યપાલસિંહને કહ્યું કે જાે તમારે પંદર લાખની પર્સનલ લોન જાેઈતી હોય તો મળી જશે. ગઠિયાએ ફરી કહ્યું કે તમારી પંદરની જગ્યાએ ૨૩ લાખની લોન મંજૂર થઈ ગઈ છે, પરંતુ તમારે તેના અલગ અલગ ચાર્જ ભરવા પડશે.
આમ કહીને ગઠિયાએ સત્યપાલસિંહને વિશ્વાસમાં લઈ રૂપિયા ૯.૪૦ લાખ લઇ લીધા હતા
તેમ છતાં ગઠિયાએ સત્યપાલસિંહને કોઈ પોલિસી કે લોન નહીં આપીને તેમની સાથે ઠગાઈ કરી હતી, જેથી સત્યપાલસિંહે આ અંગે ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.