ગુજરાત વિધાનસભાનું સત્ર ૨૭-૨૮ સપ્ટેમ્બરના રોજ મળશે
ગાંધીનગર, ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી ૨૭-૨૮ સપ્ટેમ્બરના રોજ મળશે. આ અંગે સંસદીય બાબતોના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે બે દિવસના આ સત્રમાં ૧૮ શોકાજંલિ અને ચાર સરકારી વિધેયક ગૃહમાં પસાર કરવામાં આવશે.
આ સત્રમાં રાજ્યમાં દુષ્કાળની સંભવિત સ્થિતિ, કોરોના, વાવાઝોડાની સહાય, સરકારની યાત્રાઓ અને ર્નિણયો સામે વિરોધપક્ષ આક્રમક બની સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી શકે છે, જેના કારણે સત્ર તોફાની બનવાની શક્યતા.
વિધાનસભાના ટૂંકા ચોમાસા સત્ર દરમિયાન કેટલીક મહત્વની બાબતો પર વિપક્ષ સરકારને ઘેરશે. જેમાં કોરોનાની મહામારી દરમ્યાન સરકાર દ્વારા કરવામાં આવેલી નિષ્ફળ કામગીરી, ઓક્સિજનની ઉભી થયેલી કટોકટી અને માનવ મૃત્યુને લઈને સરકાર પર તળી વરસાવશે. માછીમારોને આપવામાં આવેલું પેકેજ ખૂબ અપૂરતું છે તેમજ શિક્ષણ અને બેરોજગારીના મામલે સરકારની આકરી ટીકાઓ કરશે.
આ સિવાય પેટ્રોલ–ડિઝલના વધતા ભાવો અને વધતી મોંઘવારીની સાથે સામાન્ય લોકોનું જીવન દોજખ બની ગયું છે, તે તમામ બાબતોના મુદ્દે આશ્ચર્યજનક કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા પાંચ વર્ષની ઉજવણી કરવાના મામલે વિપક્ષ સરકારની નિષ્ફળતા ગણાવવા મેદાનમાં આવશે.