ભારતને પ્રથમ મહિલા સીજેઆઇ મળી શકે છે

નવીદિલ્હી, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલા ૯ જસ્ટિસની નિમણૂકને મંજૂરી આપી છે. આ નવ જજમાં ત્રણ મહિલા જજનો પણ સમાવેશ થાય છે. આ નામોમાંથી કોઈ એક આવનારા સમયમાં ભારતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ પણ બની શકે છે. કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલાં નામોમાં કર્ણાટક હાઈકોર્ટનાં જસ્ટિસ બીવી નાગારત્ના, તેલંગાણા હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ હિમા કોહલી, ગુજરાત હાઇકોર્ટનાં જસ્ટિસ બેલા ત્રિવેદી પણ સામેલ છે.
આ સિવાય કર્ણાટક હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા, ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ, સિક્કિમ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જિતેન્દ્ર કુમાર મહેશ્વરી, સીટી રવિકુમાર (કેરળ હાઇકોર્ટમાં જજ) અને એમએમ સુંદરેશ (કેરળ હાઇકોર્ટમાં જજ) સામેલ છે. હાલમાં સુપ્રીમ કોર્ટમાં ૨૪ જજ છે. નવ જજની નિમણૂક બાદ પણ સર્વોચ્ચ અદાલતમાં એક પદ ખાલી રહેશે.
કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલાં નામોમાં જસ્ટિસ નાગારત્ન ભારતનાં પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બની શકે છે. જાેકે તેઓ ૨૫ સપ્ટેમ્બરથી ૨૯ ઓક્ટોબર ૨૦૨૭ સુધી જ આ પદ સંભાળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં કોલેજિયમમાં મુખ્ય ન્યાયાધીશ એનવી રમણા અને ન્યાયમૂર્તિ ઉદય યુ લલિત, એએમ ખાનવિલકર, ધનંજય વાય ચંદ્રચુડ અને એલ. નાગેશ્વર રાવ સામેલ હતા.HS