પોલીસ અને શાસક પાર્ટીની સાંઠગાંઠ પર ચીફ જસ્ટિસ ખફા: ચિંતિત

નવીદિલ્હી, ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ એક નિવૃત પોલીસ અધિકારીની અરજી પર સુનાવણી કરતા જણાવ્યું કે શાસક પાર્ટી સાથેની પોલીસ અધિકારીઓની સાંઠગાંઠ ચિંતાજનક ટ્રેન્ડ છે. પોલીસ અધિકારીઓ શાસક પાર્ટીની તરફેણમાં કામ કરતા હોય છે અને તેના વિરોધીઓની સામે કાર્યવાહી કરે છે. પછીથી તે જ વિપક્ષી પાર્ટી જ્યારે સત્તામાં આવે ત્યારે આ જ પોલીસ અધિકારીઓની સામે કાર્યવાહી કરે છે.
ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ છત્તીસગઢના સસ્પેન્ડ પોલીસ મહાનિર્દેશક ગુરજિંદર પાલની અરજી પર સુનાવણી કરતા આ ટીપ્પણી કરી. છત્તીસગઢ પોલીસે ગુરજિંદર પાલની સામે રાજદ્રોહ અને આવક કરતા વધારે સંપત્તિના આરોપસર કેસ દાખલ ક ર્યો છે. ચીફ જસ્ટિસે છત્તીસગઢ પોલીસે આદેશ આપ્યો છે કે ચાર અઠવાડિયા સુધી તેમની ધરપકડ ન કરવામાં આવે. સુપ્રીમે રાજ્ય સરકારને પણ નોટીસ આપીને અધિકારીઓને તપાસમાં સહયોગ આપવાનો નિર્દેશ આપ્યો છે.
આઇપીએસ અધિકારી ગુરજિંદર પાલ વિરુદ્ધ રાજદ્રોહ અને અપ્રમાણસર સંપત્તિના કેસ નોંધાયા છે. આ કેસમાં અધિકારીએ બે અરજીઓ કરી છે. એક અરજીમાં રાજદ્રોહનો કેસ રદ કરવાની માંગણી કરવામાં આવી છે અને બીજી અરજીમાં સીબીઆઈ દ્વારા આ કેસની તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે.
આ દરમિયાન અધિકારી વતી ફલી નરીમાને કોર્ટને જણાવ્યું હતું કે અધિકારીને સરકાર દ્વારા હેરાન કરવામાં આવી રહી છે. બીજી બાજુ, છત્તીસગઢ સરકાર વતી મુકુલ રોહતગીએ કહ્યું કે ચાર્જશીટ ગયા અઠવાડિયે દાખલ કરવામાં આવી છે, તેઓ બે મહિના માટે ભૂગર્ભમાં છે. તે (ગુરજિંદર) એક વરિષ્ઠ પોલીસ અધિકારી છે, છતાં તે ફરાર છે. પોલીસે ગુરજિંદર પાલ સિંહની સામે રાજદ્રોહનો કેસ પણ નોંધ્યો છે.
રાજ્ય સરકારે ભારતીય પોલીસ સેવાના ૧૯૯૪ બેચના એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ગુરજિંદર પાલ સિંહ (એડીજી) ને અપ્રમાણસર સંપત્તિ હોવા બદલ સસ્પેન્ડ કરી દીધા હતા.HS