પાક. ખેલાડી અંગેની વાતને ન ચગાવવા નિરજની અપીલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/Niraj-1.jpg)
નવી દિલ્હી, ટોક્યો ઓલમ્પિક ૨૦૨૦માં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારા રમતવીર નિરજ ચોપરા સતત ચર્ચામાં છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે એક બનાવ શેર કર્યો હતો જેમાં પાકિસ્તાનના જૈવલિન થ્રોઅર અરશદ નદીમ દ્વારા તેમની જૈવલિન લેવાની વાત કહેવામાં આવી હતી. તેને લઈ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો થયો હતો. ત્યારે ગુરૂવારે નીરજે આ સમગ્ર વિવાદ અંગે સ્પષ્ટતા આપી હતી અને લોકોને કારણ વગર આ ઘટનાને ન ચગાવવા જણાવ્યું હતું.
નિરજે ટ્વીટર પર વીડિયો શેર કરીને કહ્યું હતું કે, થ્રો ફેંકતા પહેલા સૌ કોઈ પોતાની જૈવલિન ત્યાં રાખે છે અને તેવામાં કોઈ પણ પ્લેયર ત્યાંથી જૈવલિન ઉઠાવી શકે છે અને પોતાની પ્રેક્ટિસ કરી શકે છે. આ એક નિયમ છે અને તેમાં કશું પણ ખોટું નથી.
નિરજ ચોપરાએ કહ્યું કે, અરશદ પોતાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને પછી મેં મારી જૈવલિન માંગી. મારો સહારો લઈને અનેક લોકો આને મુદ્દો બનાવી રહ્યા છે પણ એવું ન કરશો. રમત સૌને સાથે મળીને ચાલવાનું શીખવે છે, તમામ ખેલાડીઓ આપસમાં પ્રેમથી રહે છે તો એવી કોઈ વાત ન કરશો જેનાથી અમને ઠેસ પહોંચે.SSS