Western Times News

Gujarati News

સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડરની સોનાની ચેઈન-મોબાઈલ લૂંટાયા

અમદાવાદ, શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. ક્યાંક બંદૂકની અણીએ તો ક્યાંક ચપ્પુ-છરી બતાવીને એકલદોકલ માણસોને ધાકધમકી આપી લૂંટ ચલાવવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. આવી જ એક ઘટના વાસણામાં બની છે. સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડરને બે ગઠિયાને લિફ્ટ આપવાનું ભારે પડ્યું છે. બે ગઠિયા સોનાની ચેઈન અને મોબાઈલ લૂંટી ફરાર થઈ ગયા છે.

વેજલપુરના બુટભવાની મંદિરમાં રહેતા રાહુલવાળાએ વાસણા પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી છે. રાહુલ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવે છે.

મંગળવારે બપોરના બે વાગ્યાની આસપાસ રાહુલ સિવિલ હોસ્પિટલથી એક્ટિવા લઈને ઘરે જ રહ્યો હતો. તે વખતે અઢી વાગ્યાની આસપાસ મલાવ તળાવ પાસે રાહુલે એક્ટિવા ઊભું રાખ્યું હતું.

આ સમયે બે શખ્સે રાહુલ પાસે આવીને કહ્યું કે અમારે થોડા આગળ સુધી જવું છે તો અમને બેસાડતા જાઓ. આમ કહેતાં રાહુલ બંનેને બેસાડીને અંબાજી ત્રણ રસ્તા પાસે પહોંચતાં બંને શખ્સે કહ્યું કે, રજવાડું હોટલ તરફ લઈ લો, જેથી રાહુલે એક્ટિવા રજવાડું હોટલ તરફ લઈ જઈને ઊભું રાખ્યું હતું.

આ સમયે બંને શખ્સ એક્ટિવામાંથી ઊતરીને રાહુલના ગળામાં પહેરેલ સોનાની ૨૫ હજારની ચેઈન અને વીસ હજારનો મોબાઈલ કાઢીને રત્નમ ફ્લેટ તરફ ભાગી ગયા હતા. આ સમયે રાહુલ ડરી ગયો હતો.

રાહુલ પાસેથી ૫૦ હજારનો મુદ્દામાલ લૂંટી લીધા બાદ બંને શખ્સ ફરાર થઈ ગયા હતા. રાહુલે તાત્કાલિક વાસણા પોલીસ સ્ટેશનમાં બંને શખ્સ વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.