એસ.ટી.ના ડ્રાયવર કંડકટરે મધ્યપ્રદેશથી ગુમ થયેલા પુત્રનું પિતા સાથે મિલન કરાવ્યું
ગુમ પુત્ર મળતાં જ પિતા બેંગ્લોરથી ભુજ પહોંચ્યા-જમીન વહેંચી પુત્રની સારવાર કરાવીશઃ પિતા
ભુજ, મધ્યપ્રદેશનાં રિવા જીલ્લાનાં ત્યાથાર તાલુકાનાં હનગામા ગામનો યુવાન અજયપાંડે ઉ.વ. ૨૮ ગુમ થયો હતો. ૧ મહિનાંથી ગુમ યુવાનને શોધવા પરિવારજનો એ રાત-દિવસ એક કર્યા હતા. પિતા બેંગ્લોરમાં સર્વિસ કરતાં હતા. બીજાે પુત્ર દિલ્હીમાં સર્વિસ કરે છે. પરિવારજનો ખૂબ જ ચિંતા સેવી રહ્યા હતા.
ટ્રેન અને વાહન મારફતે તે કચ્છ સુધી પહોંચ્યો અને મુન્દ્રા તાલુકાનાં કારાઘોઘા ગામ સુધી પહોંચ્યો. કારાઘોઘા ગામનાં સેવાભાવીઓએ તેને એસ.ટી.બસ મારફતે ભુજ સુધી પહોંચાડ્યો.
એસ.ટી.બસ નાં સેવાભાવી ડ્રાઇવર કંડકટરે માનવજ્યોતને જાણ કરતાં સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવરે તેને સંસ્થાનાં વાહન મારફતે શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવેલ. તેની સારવાર સંભાળ સાથે તેની દરેક વ્યવસ્થાઓ કરવામાં આવી.
સંસ્થાનાં સામાજિક કાર્યકર બાબુલાલ નારણભાઇ જેપારે બેંગ્લોર તેનાં પિતાને, અજયપાંડે મળ્યો હોવાની જાણકારી આપતાં જ તેનાં પિતાજી બેંગ્લોરથી ભુજ આવી પહોંચ્યા હતા. રામદેવ સેવાશ્રમ સ્થળે પહોંચાતાં જ અજય પાંડે પિતાજીનાં પગે પડયો હતો.
સંસ્થાનો તે માત્ર પાંચ દિવસનો મહેમાન બન્યો હતો. આખરે પિતા-પુત્ર મધ્યપ્રદેશ પોતાનાં ઘર સુધી પહોંચતા પરિવારજનોમાં ખુશી છવાઇ હતી. પિતાએ જણાવ્યું હતું કે મારી પાસે ખેતીવાડીની ૮ એકર જમીન છે. થોડી જમીન વહેંચી પુત્રની સારવાર કરાવીશ.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, જીતેન્દ્ર જાેગી, અક્ષય મોતા,રાજેશ જાેગી સહભાગી બન્યા હતા.