Western Times News

Gujarati News

મુખ્યમંત્રી શંકરભાઈ ચૌધરી જેવો હોવો જાેઈએ જે ખેડૂતોના કામ કરી શકે

પાલનપુર, બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના કૂંડાળીયા ગામે બનાસ ડેરીના ચેરમેન અને રાજ્યના પૂર્વ મંત્રી શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકરે ઉત્સાહમાં આવી ખેડૂતોની બાબતમાં વાણિયાઓને ખબર ન પડે તેમ કહી મુખ્યમંત્રી વિજય રૂપાણીની ટીકા કરી હતી. મુખ્યમંત્રી તરીકે શંકરભાઈ જેવા ખેડૂતપુત્ર જ હોવા જાેઈએ તેવું નિવેદન આપતો હોવાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર જિલ્લામાં ચર્ચાસ્પદ બન્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આગામી વર્ષે યોજાનાર છે ત્યારે રાજ્યના પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પોતાના મતવિસ્તાર વાવ તાલુકામાં અત્યારથી જ પ્રચાર કાર્ય આરંભી દીધો છે. બે દિવસ અગાઉ વાવ તાલુકાના કુંડાળીયા ગામમાં ભાજપ કાર્યકરોની શુભેચ્છા બેઠક યોજાઇ હતી. જેમાં શંકર ચૌધરી ઉપરાંત બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત હતા.

બેઠકમાં દુષ્કાળની પરિસ્થિતિને લઇ ચર્ચા ચાલી હતી એ દરમિયાન ભાજપના કાર્યકર પરાગભાઈએ પોતાના વક્તવ્યમાં ઉત્સાહમાં આવી જઈ ગુજરાતની ગાદી પર ખેડૂતનો દીકરો હોવો જાેઈએ વાણિયાઓને કંઈ ખબર પડે નહીં. મુખ્યમંત્રી શંકરભાઈ ચૌધરી જેવો હોવો જાેઈએ જે ખેડૂતોના કામ કરી શકે એવું નિવેદન કરતા સૌ કોઈ ચોંકી ઉઠ્‌યા હતા. શંકર ચૌધરીએ પણ હાથના ઇશારાથી તેમને ચૂપ રહેવા જણાવ્યું હતું. શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીના કાર્યકર દ્વારા મુખ્યમંત્રીની ટીકા કરતો આ વીડિયો વાયરલ થતાં જિલ્લામાં ચર્ચાસ્પદ બન્યો છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે વરસાદ હાથતાળી આપી રહ્યો છે. હાલ રાજ્યમાં ૪૦ ટકાથી વધારે વરસાદની ઘટ ચાલી રહી છે. પાછલો વરસાદ પડશે તો પણ વરસાદની ઘટ સરભર થવાની સંભાવના ઓછી છે. આ સમયે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પર પીવાના પાણી માટે આધાર રાખવો પડશે તેવી સ્થિતિ ઊભી થશે. હાલ સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટીમાં ૨૪ કલાકમાં માત્ર ૩થી ૪ સેમીનો વધારો નોંધાઈ રહ્યો છે. હાલ નર્મદા ડેમ ૫૦ ટકા કરતા પણ ઓછું પાણી છે.

ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેમ ૨૦ મીટર જેટલો ખાલી છે. સરદાર સરોવર નર્મદા બંધ ગત વર્ષે ૨૮ ઓગષ્ટ, ૨૦૨૦ના રોજ સાંજે ૫ કલાકે ૧૩૮.૬૮ મીટરને પાર કરતા ડેમના ૨૩ દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યારે નર્મદા નિગમના એમડી ડૉ.રાજીવ ગુપ્તાએ ટ્‌વીટ કરી દેશને શુભેચ્છાઓ પાઠવી હતી. આ વર્ષે હાલત કઈ જુદી જ છે. સારા વરસાદ અને વહેલા વરસાદની આગાહી કરતું મૌસમ વિભાગ પણ ચિંતામાં છે. કેમ કે આ વર્ષે વરસાદ ખૂબ ઓછો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.