મોબાઇલ તફડાવી રફુચક્કર થતાં ૨ શખ્સને ૩૧ ચોરીના મોબાઈલ ફોન સાથે ઝડપાયો

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા જિલ્લામાં મોબાઈલ ચોરીના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. સાયબર સેલ પણ આવા ચોરોને પકડી પાડવામાં નિષ્ફળ નીવડી છે. આવા ભેજાબાજ લોકો ચોરીના મોબાઈલને વેચી રેકેટ ચલાવતા હોય છે.
આ વચ્ચે ખાસ રીક્ષા ચાલકોને ટાર્ગેટ કરી મોબાઇલ તફડાવી રફુચક્કર થતાં બે વ્યક્તિઓને પોલીસે ઝડપી લીધા છે. આ બન્ને ઈસમો પાસેથી ચોરીના ૩૧ મોબાઈલ ફોન કબ્જે કરાયા છે. પોલીસે આ અંગે ગુનો નોંધી તમામ મોબાઈલ ફોન ક્યાંથી ચોરી કરી તેની માહિતી આરોપીઓ પાસેથી મેળવી લીધી છે. આમ આ ગુનાનો અંતે ભેદ ઉકેલાયો છે.
વસો પોલીસના માણસો ટુંડેલ ગામની સીમમાંથી પસાર થતાં હાઈવે પર ગતરોજ પેટ્રોલીંગ હતા. દરમિયાન રેલવે ફાટક ઓવરબ્રીજ નીચેથી પસાર થઈ રહેલ એક નંબર વગરના મોટરસાયકલને શંકા જતાં અટકાવ્યું હતું. આ મોટરસાયકલ પર સવાર બે ઈસમોના પોલીસે નામઠામ પુછતાં તેઓએ પોતાના નામ દિલીપ ઉર્ફે દિલો સુખાભાઈ રાઠોડ (ઉ. વ. ૨૧, રહે. ઈસનપુર – વટવા રોડ, અમદાવાદ) અને સંજય ઉર્ફે સંજ્યો રસિકભાઈ સોલંકી (ઉ. વ. ૨૩, રહે. રૂદણ, તા. મહેમદાવાદ) હોવાનું જણાવ્યું હતું.
મોટરસાયકલ પર બે થેલા જાેવા મળતાં પોલીસે તપાસ કરતાં તેમાંથી અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પંચોને બોલાવી ગણતરી કરતા કુલ ૩૧ નંગ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જે બાબતે આધાર પુરાવા માંગતા આ બન્ને લોકો રજૂ કરી શક્યા નહોતા. આથી પોલીસને આ મોબાઇલ છળકપટ અથવા તો ચોરીના હોવાની ગંધ આવતાં મુદ્દામાલ સાથે બન્ને લોકોની સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ અટકાયત કરી છે.
પોલીસની પુછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં આરોપી દિલીપ ઉર્ફે દિલો રાઠોડ અને સંજય ઉર્ફે સંજ્યો સોલંકી બન્નેએ જિલ્લામાંથી અને બહારથી અલગ અલગ જગ્યાએથી ધોળા દિવસે મોબાઇલની છળકપટ કરી ચોરી કરેલ હોવાનું કબુલ્યું છે.