મોંઘી ગાડી ખરીદશો તો મ્યુ. વેરામાં ર ટકા સુધીનો વધારો ચુકવવો પડશે
રૂા.પ૦ લાખ કે તેથી વધુ કિંમતના વાહનો પર ત્રણ ટકા ના બદલે પાંચ ટકા લેખે AMC ટેક્ષ લેવામાં આવશે.
રૂા.રપ લાખથી રૂા.૪૯.૯૯ લાખની કિંમતના વાહનો પર ત્રણ ટકા ના બદલે ચાર ટકા લેખે વેરો વસુલ કરવામાં આવશે.
હાલ રૂા.૧પ લાખથી રૂા.ર૪.૯૯ લાખ સુધીના વાહન પર બેઝીક પ્રાઈસના ત્રણ ટકા વેરો લેવામાં આવે છે. જે ૧લી ઓકટોબરથી ૩.પ૦ ટકા લેખે લેવામાં આવશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાણાકીય વર્ષ ર૦ર૧-રરના બજેટને “કરમુક્ત” જાહેર કર્યા બાદ સતાધારી પાર્ટીએ વાહનવેરાના દરમાં વધારો કર્યો છે જાેકે, વાહનવેરાના નવા દર મોંઘી અને કીમતી ગાડી પર જ લેવામાં આવશે. વાહનવેરાના નવા દરથી મનપાને વાર્ષિક રૂા.દસ કરોડનો ફાયદો થવાની અપેક્ષા છે.
મ્યુનિ. શાસકો પ્રથમ વખત “રોબિન હુડ”ના રોલમાં આવ્યા છે. અમીર વર્ગ પાસેથી ટેક્ષ લઈને ઈલેકટ્રીક વાહનોને સંપુર્ણ વેરામુક્તિ આપવામાં આવી છે. મ્યુનિ. રેવન્યુ કમીટી ચેરમેન જૈનિક વકીલ અને પ્રદીપભાઈ દવેના જણાવ્યા મુજબ મ્યુનિ. ટેક્ષ વિભાગ દ્વારા રૂા.૧પ લાખ કે તેથી વધુ કિંમતના વાહનોના વેરામાં વધારો કરવામાં આવ્યો છે.
હાલ રૂા.૧પ લાખથી રૂા.ર૪.૯૯ લાખ સુધીના વાહન પર બેઝીક પ્રાઈસના ત્રણ ટકા વેરો લેવામાં આવે છે. જે ૧લી ઓકટોબરથી ૩.પ૦ ટકા લેખે લેવામાં આવશે. રૂા.રપ લાખથી રૂા.૪૯.૯૯ લાખની કિંમતના વાહનો પર ત્રણ ટકા ના બદલે ચાર ટકા લેખે વેરો વસુલ કરવામાં આવશે.
જયારે રૂા.પ૦ લાખ કે તેથી વધુ કિંમતના વાહનો પર ત્રણ ટકા ના બદલે પાંચ ટકા લેખે ટેક્ષ લેવામાં આવશે. હાલના સ્લેબ મુજબ રૂા.૧પ લાખ કે તેથી વધુ કિંમતના વાહનો પર ત્રણ ટકા ટેક્ષ લેવામાં આવે છે જેમાં બે ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. વાહનવેરાના નવા દરનો અમલ ૧લી ઓકટોબરથી કરવામાં આવશે.
નવા દરના અમલ બાદ મનપાની તિજાેરીમાં વાર્ષિક રૂા.દસ કરોડની આવક વધશે. શહેરમાં દર વરસે ૧૦૦ રૂા.૧પ લાખથી રૂા.ર૪.૯૯ સુધીના ૧પ૦૦, રૂા.રપ લાખથી રૂા.૪૯.૯૯ લાખ કિંમતના ૧ર૦૦ તેમજ રૂા.પ૦ લાખ કે તેથી વધુ કિંમતના ૪૦૦ વાહનોના વેચાણ થાય છે. સામાન્ય નાગરીકો દ્વિચક્રી વાહનો, ઓટો રીક્ષા, ટેમ્પો, લોડીંગ રીક્ષાનો મહતમ વપરાશ કરે છે જેના વેરા માં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.
ભારત સરકારે નેશનલ કલીન એર પ્રોગ્રામાં અમદાવાદનો પણ સમાવેશ કર્યો છે. શહેરમાં પોલ્યુશન ફ્રી ઈલેકટ્રીક વાહનોનો વપરાશ વધે તો પ્રદુષણમાં ઘટાડો થાય તે હેતુથી વર્ષ ર૦ર૧-રર માં ટુ વ્હીલર ઈલેકટ્રીક વાહનોના આજીવન વેરામાં ૧૦૦ ટકા મુક્તિ આપવામાં આવી છે જેને ધ્યાનમાં લઈને ટુ વ્હીલર ઉપરાંત અન્ય તમામ ઈલેકટ્રીક વાહનોને પણ વાહનવેરામાં ૧૦૦ ટકા રાહત આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં દર વરસે ૪૦૦ ઈલે. વાહનોના વેચાણ થાય છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.