ઓર્ડરમાં વિલંબ થતા સ્વિગીના ડિલિવરી બોયે રેસ્ટોરન્ટ માલિકને ગોળી મારી!
નોઇડા, ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં સ્વિગી ડિલિવરી બોયે રેસ્ટોરન્ટના માલિકની માત્ર એટલા માટે હત્યા કરી કારણ કે ઓર્ડરમાં વિલંબ થઈ રહ્યો હતો. આ ઘટના બુધવારે સવારે બની હતી. ઘટના બાદ આરોપી યુવક ફરાર છે. પોલીસે રેસ્ટોરન્ટ માલિકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને આરોપી યુવકની શોધ કરી રહી છે.
એડિશનલ ડીસીપી વિશાલ પાંડેએ જણાવ્યું હતું કે ગ્રેટર નોઈડાની મિત્રા હાઉસિંગ સોસાયટીમાં ઓર્ડરમાં વિલંબના વિવાદમાં સ્વિગી ડિલિવરી બોયે રેસ્ટોરન્ટના માલિકને ગોળી મારીને હત્યા કરી હતી. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને ૩ ટીમોની રચના કરવામાં આવી છે.
મૃતક સુનિલ ગ્રેટર નોઈડાની મિત્ર સોસાયટીમાં જમ જમ ફૂડ ડિલિવરી નામની રેસ્ટોરન્ટ ચલાવતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર બુધવારે સવારે સ્વિગી ડિલિવરી બોય ૧૨ઃ૧૫ મિનિટે ચિકન બિરયાની અને પુરી સબ્ઝીનો ઓર્ડર આપવા માટે રેસ્ટોરન્ટમાં પહોંચ્યો હતો. રેસ્ટોરન્ટમાં કામ કરતા નારાયણે તરત જ તેને તૈયાર કરેલી ચિકન બિરયાની સોંપી, જ્યારે પુરી સબઝી માટે થોડી રાહ જાેવા કહ્યું.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ડિલિવરી બોય ગુસ્સે થયો અને ઓર્ડર માટે થોડીવાર રાહ જાેવા મુદ્દે કર્મચારી ઘર્ષણ થયું. આ દરમિયાન રેસ્ટોરન્ટના માલિક સુનીલે દરમિયાનગીરી કરી. આ દરમિયાન ડિલિવરી બોયે માલિક સુનીલને ગોળી મારી. સુનિલને તાત્કાલિક ગંભીર હાલતમાં રિયાલિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
પોલીસે જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી દારૂના નશામાં હતો. તેની સાથે અન્ય એક વ્યક્તિ પણ હતો, જેને રેસ્ટોરન્ટના માલિકની હત્યામાં મદદ કરી હતી. પોલીસ આરોપીની શોધમાં છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે.HS