વડોદરામાં ઝાડેશ્વર વસાહતમાં આગ લાગતા ૩ ઝૂપડા બળીને ખાખ
વડોદરા, વડોદરાના સનફાર્મા રોડ ઉપર આવેલા ઓટો ગેરેજ અને તેની બાજુમાં ઝાડેશ્વર વસાહતમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. રાત્રે અઢી વાગ્યાના સુમારે લાગેલી આગમાં ગેરેજ સ્થિત ચાર વાહનો અને ત્રણ ઝૂંપડા બળીને ખાક થઇ ગયા હતા. જાેકે, આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ, આ બનાવે વિસ્તારમાં ગભરાટ ફેલાવી દીધો હતો. ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.
સનફાર્મા રોડ પર રાત્રે લગભગ ૨.૪૫ વાગ્યાના સુમારે ઓટો ગેરેજમાં આગ ફાટી નીકળી હતી. આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા વડીવાડી ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા. જાેકે, ફાયર લાશ્કરો સ્થળ ઉપર પહોંચે તે પહેલાં મોડી રાત્રે પવનના કારણે આગ પ્રસરતા ગેરેજની બાજુમાં આવેલ ઝવેરનગર વસાહતના ત્રણ ઝૂંપડાઓને લપેટમાં લઇ લીધા હતા.
ગેરેજમાં લાગેલી આગે ઝૂંપડાઓને લપેટમાં લેતા નિંદ્રાધિન ઝૂંપડાવાસીઓમાં અફરા-તફરી મચી ગઇ હતી. ઝૂંપડાવાસીઓ પોતાનો જીવ બચાવી ઝૂંપડા છોડી બહાર નીકળી ગયા હતા. જાેકે, તેઓના ઝૂંપડામાં રહેલો ઘરવખરી તમામ સામાન બળીને ખાક થઇ ગયો હતો. ત્રણ ઝૂંપડામાં લાગેલી આગ વસાહતના બીજા ઝૂંપડાઓને લપેટમાં ન લે તે માટે ફાયર બ્રિગેડ દ્વારા પાણી મારો ચલાવી આગને કાબુમાં લઇ લીધી હતી.
તે સાથે ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા ગેરેજમાં લાગેલી આગને પાણી મારો ચલાવી કાબુમાં લઇ લીધી હતી. જાેકે, આગ સંપૂર્ણ કાબુમાં આવે તે પહેલાં ગેરેજમાં પડેલા બે એક્ટીવા મોપેડ, એક સ્કૂટી પેપ અને એક મોટર સાઇકલ બળીને ખાક થઇ ગયું હતું. મોડી રાત્રે લાગેલી આગના બનાવે વિસ્તારમાં ગભરાટ ફેલાવી દીધો હતો.
લોકોના ટોળેટોળા સ્થળ પાસે ઉમટી પડ્યા હતા. તે સાથે સ્થાનિક પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો. આગના આ બનાવોમાં કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ, મોટા પ્રમાણમાં નુકશાન થયું હતું. આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ, ગેરેજમાં શોર્ટ સર્કીટ થવાને કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.HS