જંબુસરના ઋણ તળાવમાં એક માસથી પાણી નહીં મળતા રહીશોનો પાલિકા ખાતે હલ્લો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) જંબુસર નગરના ઋણ તળાવમાં છેલ્લા એક માસથી પાણી નહીં મળતા બહેનો રણચંડી બની નગરપાલિકા ખાતે આવી સીઓને પાણી પ્રશ્ને ઉગ્ર રજુઆતો કરી હતી.
જંબુસર નગરમાં ઘણાય વર્ષોથી પીવાના મીઠા પાણી,રોડ રસ્તા,ગટરની સમસ્યા છે.પાલિકાતંત્ર આ બાબતે જનતાને સારી સુવિધા આપવામા ઉણુ ઉતર્યુ છે.જેને લઈ પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે.જંબુસર નગરની જનતાને પ્રાથમિક સુવિધાઓ એક દિવા સ્વપ્ન સમાન લાગે છે.
જંબુસર નગરના રણ તળાવ વિસ્તારમાં જ્યાં મહેનત મજુરી કરી પોતાનું જીવન ગુજારન ચલાવતા ૬૦૦ ઘરની વસ્તી છે જ્યાં પાલિકા તંત્ર દ્વારા રોડ રસ્તા,ગટરની સુવિધા કેટલાંય વર્ષોથી નથી હાલ પાણીની સમસ્યા પણ છેલ્લા એક માસથી ઉદભવી છે.રહીશોને પાણી માટે વલખા મારવા પડે છે
વોર્ડના સભ્યોને પણ રજૂઆતો કરી હોવા છતાંય પાણી પ્રશ્નોનો ઉકેલ નહી આવતા ના છુટકે આજરોજ નગરપાલિકા કચેરી ખાતે મહિલાઓ આવી પહોંચી હતી.જ્યાં ઉપસ્થિત ચીફ ઓફીસર પરાક્રમસિંહ મકવાણાને ઉગ્ર રજુઆતો કરી હતી.જ્યાં સુધી પાણીની સમસ્યા હલ નહીં થાય ત્યાં સુધી પાલિકા કચેરી ખાતે બેસી રહેવાની જીદ સાથે મહિલાઓએ અડ્ડો જમાવ્યો હતો ઋણ તળાવની પાણીની સમસ્યા વહેલી તકે હલ કરવાની માગણી કરી હતી.
સદર પાણીના પ્રશ્ને પાલિકા ચીફ ઓફીસરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે પંદર દિવસ અગાઉ મોટરનો વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે.સપ્લાયરે ડિલિવરી નહીં કરતા આ સમસ્યા ઉદ્ભવી છે.પરંતુ કાલ સાંજ સુધીમાં મોટર આવી જશે અને ઋણ તળાવના રહીશોની પાણીની સમસ્યા હલ કરી દઈશું.