‘હિન્દુસ્તાની ઇસ્લામ કાયમ દુનિયાભરના બાકી ઇસ્લામથી અલગ રહ્યો છે: નસીરુદ્દીન શાહ
મુંબઇ, પોતાના બેધડક અભિપ્રાયો માટે જાણીતા એક્ટર નસીરુદ્દીન શાહે તાલિબાનનું સમર્થન કરી રહેલા ભારતીય મુસ્લિમોને બરાબરના ખખડાવ્યા છે. તેમણે એક વીડિયો રિલીઝ કર્યો છે. એ વીડિયોમાં તેમણે ભારતીય મુસ્લિમો અને દુનિયાના બાકીના વિસ્તારોમાં ફેલાયેલા ઇસ્લામ વચ્ચેનો તફાવત સમજાવ્યો છે.
નસીરુદ્દીન શાહે સવાલ પૂછ્યો છે કે તાલિબાનની તરફેણ કરનારા ભારતીય મુસલમાનોએ પોતાના ધર્મમાં સુધારો લાવવો છે પછી વીતી ગયેલી સદીઓ જેવા ઘાતકીપણાથી જ જીવવું છે? તેઓ બોલ્યા કે, ‘હિન્દુસ્તાની ઇસ્લામ કાયમ દુનિયાભરના બાકી ઇસ્લામથી અલગ રહ્યો છે, અને ખુદા એવો સમય ન બતાવે કે તે એટલો બધો બદલાઈ જાય કે આપણે તેમને ઓળખી પણ ન શકીએ.’
શુદ્ધ ઉર્દૂમાં રેકોર્ડ થયેલા આ વીડિયોમાં શાહે કહ્યું છે કે, ‘જાેકે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા પર વાપસી આખી દુનિયા માટે ચિંતાનો વિષય છે, પરંતુ ભારતીય મુસલમાનોનો એક વર્ગ આ બર્બરતાનો જશ્ન મનાવી રહ્યો છે, તે પણ કંઈ કમ ખતરનાક નથી.’
પોતાની વાતમાં આગળ ઉમેરતાં શાહે કહ્યું કે, ‘દરેક ભારતીય મુસ્લિમે પોતાની જાતને સવાલ પૂછવો જાેઇએ કે તેમને પોતાના ધર્મમાં રિફોર્મ (સુધાર), જિદ્દત પસંદી (આધુનિકતા, નવીનતા) જાેઇએ છે કે પછી તે વીતેલી સદીઓ જેવી ક્રૂરતા અને ઘાતકીપણું જ જાેઇએ છે? હું હિન્દુસ્તાની મુસલમાન છું છે અને મિર્ઝા ગાલિબ એક સમયે કહી ગયા હતા તેમ, મારા ભગવાન સાથે મારો સંબંધ અનૌપચારિક છે. મારે સિયાસી મઝહબ (રાજકીય ધર્મ)ની જરૂર નથી.’HS