Western Times News

Gujarati News

બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ફાઈલ ફોટો

અમદાવાદ, પાછલા વર્ષોની સરખામણીમાં આ વર્ષે વરસાદ ઓછો નોંધાયો છે, આમ છતાં ફરી એકવાર વાદળા બંધાતા ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં ઓછા વધતા પ્રમાણમાં વરસાદ નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં આજે સહિત બે દિવસ ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થઈ રહ્યો છે. આ સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ વરસતા લોકો હાશકારો અનુભવી રહ્યા છે.

અમદાવાદ સહિત રાજ્યમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આજના આંકડા પ્રમાણે પાછલા ૨૪ કલાકમાં રાજ્યના ૨૦૭ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે જૂનાગઢના માંગરોળ તાલુકામાં ૧૭૩એમએમ વરસાદ થયો છે. આ સિવાય માળિયામાં કચ્છના અંજારમાં ૧૬૬એમએમ, ૧૬૩એમએમ, કલ્યાણપુરમાં ૧૬૩એમએમ, માળિયામાં ૧૬૩એમએમ અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ૧૫૮એમએમ વરસાદ નોંધાયો છે. રાજ્યના ૧૧ તાલુકાઓમાં ૧૦૦એમએમથી વધારે વરસાદ થયો છે જેમાં ખાંભળિયા, ઉના, પોરબંદર, રાણાવાવ, જાેડિયા તાલુકાઓનો સમાવેશ થાય છે. ૨૭ તાલુકાઓમાં ૫૦એમએમથી વધારે વરસાદ થયો છે.

આ સિવાય ગાંધીનગરના કલોલમાં ૫૮એમએમ, અમદાવાદના બાવળામાં ૪૦એમએમ વરસાદ થયો છે. અમદાવાદ શહેરમાં ૨૨એમએમ વરસાદ નોંધાયો છે.

આજે પણ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બન્ને વિસ્તારમાં સવારથી અટકી-અટકીને વરસાદ થઈ રહ્યો છે. ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં પણ સવારથી વરસાદ ચાલુ છે.

હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો આજે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના વલસાડમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા સહિત મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદમાં પણ સારો વરસાદ થશે.

આવતીકાલે ૩ સપ્ટેમ્બરના રોજ પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં પોરબંદર, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરુચ, સુરત અને નવસારી સહિત રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદ વરસી શકે છે. આવતીકાલે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે, આ દરમિયાન હવાની વહેવાની ઝડપ ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિકલાકની રહેશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.