પિતાએ સમાજમાં બદનામીના ડરે દીકરીના પ્રેમીને કરંટ આપીને મોતને ઘાટ ઉતાયો
લુણાવાડા, લુણાવાડા તાલુકાના ટીંટોઈ ગામની સીમમાંથી હત્યા કરાયેલ લાશ મળવાના મામલે પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. જીવ ગુમાવનાર મૃતક યુવકને પ્રેમ સંબંધ હોવાથી પિતાએ દીકરીના પ્રેમીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સમાજમાં બદનામીના ડરને લઈ પિતાએ પોતાના બે મિત્રો સાથે મળી દીકરીના પ્રેમીને કરંટ આપી મોતને ઘાટ ઉતારી દીધો, ત્યારબાદ લાશને અવાવરૂ કુવામાં નાખી દીધી હતી. લુણાવાડા તાલુકાના ટીંટોઈ ગામની સીમમાં એક અવાવરૂ કુવામાંથી તા.૨૪-૮-૨૦૨૧ના રોજ એક યુવકની લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે મૃતદેહનો કબ્જાે લઈ પીએમ માટે મોકલી આપ્યો હતો.
જેમાં શરીર પર ઈજાના નિશાન મળી આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસે એફએસએલ અને ડોગ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરી હત્યાના બનાવના સ્થળને શોધી હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. જેમાં હત્યા પાછળ પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે. ટીંટોઈ ગામમાં રહેતા બળવંતસિંહ બારીયાની દીકરીને ગામના જ શૈલેન્દ્ર બારીયા સાથે પ્રેમ સંબંધ ચાલતો હતો. બંને પ્રેમી પંખીડા અવાર નવાર ગામના ભુપેન્દ્રસિંહ બારીયા અને ભારતસિંહ બારીયાના ખેતરમાં મુલાકાત કરતા હતા.
આ મામલાની જાણ ખેતર માલિકોને થઈ ગઈ હતી. આ બંને ખેતર માલિક યુવતીના પિતાના મિત્ર હતા, તેમણે યુવતીના પિતાને આ વાતની જાણ કર્યા બાદ યુવકની હત્યાનો પ્લાન બનાવ્યો. યુવતીના પિતા બળવંતસિંહ બારીયા અને તેમના બે મિત્ર ભુપેન્દ્રસિંહ બારીયા તથા ભારતસિંહ બારીયાએ જે જગ્યા પર પ્રેમી પંખીડા મળતા હતા તે સ્થળે તારનીવાડમાં કરંટ મુકી દીધો, ત્યારબાદ પ્રેમી યુવક આવતા તે જેવો તારની વાડે અડ્યો તેવો કરંટથી બળી ગયો અને તેનું મોત નિપજ્યું.
ત્યારબાદ યુવકની લાશને ખેતરથી ૧ કિમી દુર એક અવાવરૂ કુવામાં નાખી દીધી હતી. પોલીસે મુખ્ય આરોપી પિતા બળવંતસિંહ બારીયા, મદદગાર ખેતર માલિક ભુપેન્દ્રસિંહ બારીયા તથા ભારતસિંહ બારીયાની ધરપકડ કરી તેમની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.HS