પેરાલિમ્પિકમાં ભારતના 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 5 બ્રોન્ઝ સાથે 15 મેડલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/india-1.jpg)
તરુણ ઢીલ્લોન અને મનોજ સરકાર બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ માટે રમશે
નવીદિલ્હી, ટોક્યો પેરાલિમ્પિકમાં શૂટિંગની રમતમાં ભારતીય શૂટર્સ ઉપર આજે સોના-ચાંદીનો વરસાદ થયો છે. શૂટર મનિષ નરવાલે ગોલ્ડ મેડલ જીત્યો છે તો સિંહરાજે સિલ્વર જીતી ઈતિહાસ રચી દીધો છે.
પી-4 મિક્સ્ડ 50 મીટર પીસ્તલ એસએસ-1 ફાઈનલમાં મનિષ નરવાલે 218.2નો સ્કોર કરી પ્રથમ ક્રમ મેળવ્યો તો સિંહરાજ (216.7) બીજા ક્રમે રહ્યા છે. આ સાથે જ ઓલિમ્પિકમાં ભારતના મેડલની સંખ્યા 15 થઈ જવા પામી છે.
આ બન્ને પેરા શૂટર્સ ફરિદાબાદના રહેવાસી છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં સિંહરાજ 536 પોઈન્ટ સાથે ચોથા સ્થાને રહ્યા હતા જ્યારે મનિષ નરવાલ 533 પોઈન્ટ મેળવી સાતમા ક્રમે રહ્યા હતા. 19 વર્ષીય મનિષ નરવાલે ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને ત્રીજો ગોલ્ડ અપાવ્યો છે. આ પહેલાં અવની લખેરાએ 10 મીટર એર રાયફલ અને સુમિત અંતિલે ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
બીજી બાજુ આ પેરાલિમ્પિકમાં ભારતના 39 વર્ષીય શૂટર્સ સિંહરાજે બીજો મેડલ મેળવ્યો છે. આ પહેલાં તેમણે 10 મીટર એર પીસ્તલ એસએચ-1માં બ્રોન્ઝ જીત્યો હતો. અવની લખેરા પાસે પણ બે મેડલ છે જેમાં એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ સામેલ છે.
બીજી બાજુ બેડમિન્ટનની રમતમાં પણ ભારતીય ખેલાડીઓએ દમખમ બતાવ્યો છે. નોઈડાના કલેક્ટર સુહાસ યતિરાજ એસએલ-4 કેટેગરીના ફાઈનલમાં પહોંચીને ભારત માટે મેડલ પાક્કો કરી લીધો છે. આ પહેલાં પ્રમોદ ભગતે એસએલ-3માં ભારત માટે મેડલ નિશ્ર્ચિત કરી લીધો છે.
કલેક્ટર સુહાસ યતિરાજ આવતીકાલે ફાઈનલ મેચમાં મજૂર લુકાસ સામે ટકરાશે. આ જ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ માટે ભારતીય ખેલાડી તરુણ ઢીલ્લો ઈન્ડોનેશિયાના ફ્રેડી સેતિયાવાન સામે ટકરાશે તો મનોજ સરકાર બ્રોન્ઝ મેડલ માટે ફુઝિહારા ડાઈસુકે સામે ટકરાશે. આ બન્ને મુકાબલા બપોરે 3 વાગ્યે શરૂ થઈ જશે.
આ ઉપરાંત પ્રમોદ ભગતે સેમિફાઈનલમાં જાપાનના ફુઝિહારા ડાઈસુકેને 21-11-, 21-16થી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી છે. જ્યારે સુહાસે ઈન્ડોનેશિયાના ફ્રેડી સેતિયાવાનને 21-9, 21-15થી હરાવ્યો હતો.
આ સાથે જ ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 15 મેડલ જીત્યા છે. ભારતના ખાતામાં હવે 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ છે.
આ ઉપરાંત બેડમિન્ટનમાં ભારતના બે ખેલાડીઓ ફાઈનલમાં પહોંચી ગયા હોવાથી કમ સે કમ બે સિલ્વર મેડલ નિશ્ર્ચિત થઈ ગયા છે એટલા માટે ભારતના મેડલની સંખ્યા 17એ પહોંચી જશે. આ ઉપરાંત બેડમિન્ટનમાં ભારતીય ખેલાડી મનોજ સરકાર અને તરુણ ઢિલ્લો બ્રોન્ઝ માટે રમનાર હોવાથી જો તેઓ જીતશે તો મેડલની સંખ્યામાં વધારો થશે.