ગઠિયાએ વિઝાની લાલચ આપીને ૩.૫૦ લાખ પડાવ્યા
અમદાવાદ, અવારનવાર એવા કિસ્સા સામે આવતા હોય છે જ્યાં વિદેશ પહોંચાડવાની લાલચ આપીને લોકો પાસેથી પૈસા પડાવી લેવામાં આવતા હોય છે. વિદેશ જવાની લાલચમાં લોકો આવા ઠગોની વાતોમાં આવી જતા હોય છે અને માંગે તેટલા પૈસા આપવા રાજી થઈ જતા હોય છે. લોકોની આ જ ઘેલછાનો લાભ ઠગો દ્વારા લેવામાં આવતો હોય છે. અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાંથી આવી જ એક ઘટના સામે આવી છે.
બાપુનગરના એક યુવકને દાવો કરવામાં આવ્યો હતો કે તેને ટુંક જ સમયમાં વિઝા અપાવશે અને તેના માટે એડવાન્સ ૩.૫૦ લાખ રુપિયા પણ લેવામાં આવ્યા હતા. પરંતુ પૈસા લીધા પછી વિઝાનું કામ ના થતા યુવકે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
પૈસા લીધા પછી ઠગે યુવકના ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા, ત્યારપછી કંટાળેલા યુવકે બાપુનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી છે. બાપુનગરના કૃષ્ણ અપાર્ટમેન્ટમાં રહેતા અક્ષય કિરણભાઈ ઠાકરે વિઝા કરાવવા બાબતે પોતાના મિત્ર આર્જવ ગાંધીનો સંપર્ક કર્યો હતો. આર્જવ ગાંધી અગાઉ સિંગાપોરમાં અભ્યાસ કરતો હતો. અક્ષયે આર્જવને કેનેડાના વિઝા બાબતે વાત કરી હતી.
આર્જવે અક્ષયને જણાવ્યુ હતું કે તેનો એક મિત્ર વિઝાનું કામ કરે છે અને તેનો સંપર્ક મિતેષ કુમાર પટેલ સાથે કરાવ્યો હતો. અક્ષયે મિતેષ પટેલ સાથે વાત કરીને કેનેડા માટે વર્ક પરમિટ વિઝા મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મિતેષે અક્ષયને કહ્યુ હતું કે, વિઝા તો એક અઠવાડિયામાં કરાવી આપીશ પણ ૭.૫૦ લાખ રુપિયાની જરુર પડશે અને અડધા પૈસા એડવાન્સ આપવા પડશે.
અક્ષયે પૈસા આપવાની હા પાડી હતી. ત્યારપછી મિતેષ તમારું કામ શરુ થઈ ગયું છે તેમ કહીને એડવાન્સ પૈસા માંગ્યા હતા. પૈસા આપ્યાના થોડા દિવસો પછી અક્ષયે મિતેષને ફોન કર્યો ત્યારે તેણે ફોન ઉપાડવાનો બંધ કરી દીધો હતો. અક્ષયને જ્યારે લાગ્યું કે તેની સાથે વિશ્વાસઘાત થયો છે અને ઠગાઈ થઈ છે તો તેણે આ અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.SSS