બ્રહ્મ સમાજના શિક્ષકોને આદિજાતિ વિકાસ રાજય મંત્રી રમણલાલ પાટકરના હસ્તે બ્રહ્મતેજ એવોર્ડ અપાયા

તસવીરઃ અશોક જોષી, વલસાડ
(પ્રતિનિધિ)વલસાડ, વલસાડ જિલ્લાના વાપીની સિલ્વર લીફ હોટલ ખાતે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ વાપી આયોજીત શિક્ષક વંદના કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના શ્રેષ્ઠ શિક્ષકોને વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના વરદ હસ્તે બ્રહ્મતેજ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
આ અવસરે આદિજાતિ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, બ્રહ્મ સમાજે તેમના સમાજના શિક્ષકોની વંદના કરી ખૂબ જ સરાહનીય કાર્ય કર્યું છે. શિક્ષણને ઉત્તેજન આપવાનું કાર્ય દરેક સમાજ કરે તો દરેક વ્યક્તિ શિક્ષણ મેળવી શકશે. મંત્રીએ શિક્ષક દિનની ઉજવણીનો ઉદ્દેશ સમજાવતા જણાવ્યું હતું કે, આ દિવસે વિદ્યાર્થીઓના ભણતરમાં શિક્ષકોના અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમને સન્માનિત કરવામાં આવે છે.
શિક્ષક બાળકોને ગુણવત્તા યુક્ત શિક્ષણ આપે છે અને માનવમાંથી સુંદર માનવ બનાવવાનું કાર્ય કરે છે. પૃથ્વી ઉપર આપણે પ્રવાસીરૂપે આવ્યા છે ત્યારે કોઈકને મદદરૂપ બનીશું તો આપણું જીવન સાર્થક બનશે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. આ અવસરે કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ એવોર્ડ મેળવનાર શિક્ષકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે પહેલા ગુરુ માં અને બીજા ગુરુ શિક્ષક છે.
આ અવસરે પુરાણી સ્વામીજીએ આશીર્વચનમાં સમસ્ત બ્રહ્મ સમાજને અભિનંદન આપી કાર્યક્રમ સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી. સૌનું કલ્યાણનું કાર્ય કરાવે તે ભૂદેવો અને શિક્ષકો છે. એટલે શિક્ષકોને સાધુ પણ કહેવાય છે. શિક્ષકો બાળકોને સુસંસ્કાર આપી જીવન ઘડતર કરે છે.
આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના ટ્રસ્ટી અશોકભાઇ શુક્લ, ટ્રસ્ટી મહેશભાઈ પંડ્યા, આર્થિક સેલના મહેશભાઈ ભટ્ટ, બ્રહ્મ સમાજ મહિલા મંડળ પ્રમુખ વર્ષાબેન લીનાબેન ઓઝા, મિત્તલબેન, કિરીટભાઇ શાસ્ત્રી, હાર્દિક જાેશી વગેરેએ પ્રાસંગિક ઉદબોધનમાં સન્માનિત શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભદ્રેશભાઈ પંડ્યા અને અશ્વિનભાઈ રાવલે કર્યું હતું.
આભારવિધિ બ્રહ્મ સમાજના સેક્રેટરી ઘનશ્યામભાઈ પંચોલીએ કરી હતી. ખ્યાતિબેન રાવલે મંગલ પ્રાર્થના રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ વાપીના પ્રમુખ મિતેશભાઈ ત્રિવેદી, સેક્રેટરી ઘનશ્યામ પંચોલી, ટ્રસ્ટી મહેશભાઈ પંડ્યા, પુરાણી સ્વામીજી, મહિલા મંડળ પ્રમુખ વર્ષાબેન, કિરીટભાઈ શાસ્ત્રી, મહેશભાઈ ભટ્ટ સહિત સમાજ અગ્રણીઓ, શિક્ષકો હાજર રહ્યા હતા.