તાલિબાને પંજશીર પર સંપૂર્ણ રીતે કબજો જમાવી લીધો હોવાની જાહેરાત કરી

કાબુલ, આતંકી સંગઠન તાલિબાને પંજશીર પર સંપૂર્ણ રીતે કબજાે જમાવી લીધો હોવાની જાહેરાત કરી છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લા મુજાહિદે દાવો કર્યો છે કે તેમણે પંજશીરનો અંતિમ ગઢ સંપૂર્ણ રીતે જીતી લીધો છે.
તાલિબાને પંજશીરની તસવીર જાહેર કરી છે. એક તસવીરમાં પંજશીરમાં તાલિબાની ઝંડો ફરકતો જાેવા મળે છે. બીજી બાજુ તાલિબાની કમાન્ડર પંજશીરમાં હાજર છે અને પાછળ દીવાલ પર અહમદ શાહ મસૂદની તસવીર છે. તાલિબાને દાવો કર્યો છે કે તેમણે પંજશીર સહિત અફઘાનિસ્તાનના તમામ ૩૪ પ્રાંતો પર કબજાે જમાવી લીધો છે.
તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લા મુજાહિદે કહ્યું કે અલ્લાહની મદદ અને અમારા લોકોના સમર્થનથી પંજશીર પણ ઈસ્લામિક અમીરાતના નિયંત્રણ હેઠળ આવી ગયું છે. પંજશીરમાં વિદ્રોહી હાર્યા છે અને બાકીના ભાગી ગયા છે. પંજશીરમાં દબાવાયેલા અને સન્માનિત લોકોને છોડી મૂકવામાં આવ્યા છે.
ઝબીઉલ્લાએ કહ્યું કે હું ખાતરી અપાવું છું કે પંજશીરના લોકો સાથે કોઈ પણ પ્રકારે ભેદભાવ નહીં થાય. તમે બધા અમારા ભાઈઓ છો અને આપણે બધા મળીને એક લક્ષ્ય માટે દેશની સેવા કરીશું. તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે પંજશીર પર જીત બાદ સમગ્ર દેશમાં યુદ્ધ ખતમ થઈ ગયું છે. આપણા દેશમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે.
દરમિયાન પંજશીર ઘાટીમાં કબજાે જમાવવાની દરેક શક્ય કોશિશ કરી રહેલા તાલિબાનને પાકિસ્તાનનો ભરપૂર સાથ મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ પંજશીરમાં પાકિસ્તાની એરફોર્સ દ્વારા ડ્રોન હુમલો થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
અફઘાનિસ્તાનના પૂર્વ સાંસદે આ દાવો કર્યો છે. અફઘાનિસ્તાનના પૂર્વ સાંસદ જિયા આર્યનીજહાદ અને સ્વિટ્ઝરલેન્ડ સ્થિત અફઘાન દૂતાવાસના રાજદૂત તથા સંયુક્ત રાષ્ટ્રમાં અફઘાનિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ નાસિર અહમદ અંદિશાના જણાવ્યાં મુજબ પંજશીરમાં પાકિસ્તાન એરફોર્સના ડ્રોન અને હેલિકોપ્ટર હુમલામાં ફહીમ દશ્તી અને અહમદ મસૂદના જીવ ગયા છે.
તાલિબાને દાવો કર્યો છે કે તેણે પંજશીર ઘાટી પર કંટ્રોલ મેળવી લીધો છે. આ બાજુ પંજશીર રેઝિસ્ટન્સ ફ્રંટનો દાવો છે કે હજુ તેમનો કબજાે થયો નથી. અત્રે જણાવવાનું કે હાલ પંજશીર પ્રાંતને બાદ કરતા સમગ્ર અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજાે થઈ ગયો છે. તાલિબાન આ અઠવાડિયે સરકાર બનાવી શકે છે.
અફઘાન મીડિયાનું એક ગ્રુપ આ હુમલા બાદ અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ અને નેશનલ રેઝિસ્ટન્સ ફોર્સના કમાન્ડર અહમદ મસૂદના અફઘાનિસ્તાન છોડીને તાઝિકિસ્તાન ભાગવાની વાત કરી રહ્યું છે. જ્યારે બીજી બાજુ અફઘાન મીડિયાનું બીજું જૂથ નેશનલ રેઝિસ્ટન્સ ફોર્સના હવાલે આ દાવાને ફગાવી રહ્યું છે અને કહે છે કે અહમદ મસૂદ અને અમરુલ્લાહ સાલેહ બંને હાલ પંજશીરમાં જ કોઈ ગુપ્ત સ્થળે છૂપાયેલા છે.HS