મમતા બેનર્જી સાથે કામ કરવા ઈચ્છતા ૨૪ ધારાસભ્યો મારા સંપર્કમાં છે: મુકુલ રોય
કોલકતા, ભાજપના ધારાસભ્ય સૌમેન રોય ટીએમસીમાં પરત ફર્યાના થોડા દિવસો બાદ હવે તૃણમૂલ નેતા મુકુલ રોયે દાવો કર્યો છે કે આગામી સમયમાં ભાજપના ઘણા ધારાસભ્યો ટીએમસીમાં જાેડાઈ શકે છે. તેમણે કહ્યું કે મમતા બેનર્જી સાથે કામ કરવા ઈચ્છતા ૨૪ ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. રોયે કહ્યું કે ટીએમસીમાં જાેડાવા માંગતા ધારાસભ્યો અને નેતાઓની લાંબી કતાર છે.
આ વર્ષે જૂનમાં મુકુલ રોય પોતે ભાજપ છોડીને ટીએમસીમાં પરત ફર્યા હતા. તે ચાર વર્ષ પહેલા ટીએમસીથી ભાજપમાં ગયા હતા. જાે કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હાર બાદ તેમણે ફરી એક વખત મમતા બેનર્જીનું નેતૃત્વ સ્વીકાર્યું હતું. છેલ્લા ચાર સપ્તાહમાં સૌમેન રોય, વિશ્વજીત દાસ અને તન્મય ઘોષ સહિત ભાજપના ચાર ધારાસભ્યો ટીએમસીમાં જાેડાયા છે. ખાસ વાત એ છે કે આ બધા મુકુલ રોયના નજીકના માનવામાં આવે છે અને તે તમામ ૨૦૨૧ ની વિધાનસભા ચૂંટણી પહેલા મુકુલ રોયના કારણે જ ભાજપમાં જાેડાયા હતા.
સૌમન રોય ગયા અઠવાડિયે પાર્થ ચેટર્જીની હાજરીમાં પાર્ટીમાં જાેડાયા હતા. આ પહેલા ૩૦ ઓગસ્ટે બિષ્ણુપુરના ધારાસભ્ય તન્મય ઘોષ ટીએમસીમાં પરત ફર્યા હતા. બીજા જ દિવસે ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના બગડા વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય વિશ્વજીત દાસ પણ ટીએમસીમાં જાેડાયા.
સૌમેન રોય ટીએમસીમાં જાેડાયા બાદ બંગાળ વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા ઘટીને ૭૧ થઈ ગઈ છે. ટીએમસી ભાજપને આ આંચકો એવા સમયે આપી રહી છે જ્યારે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં ત્રણ વિધાનસભા બેઠકો પર ૩૦ સપ્ટેમ્બરે પેટા ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. જેમાં પશ્ચિમ બંગાળની ભવાનીપુર બેઠકનો સમાવેશ થાય છે, જ્યાંથી મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જી ચૂંટણી લડશે. મત ગણતરી ૩ ઓક્ટોબરે થશે.HS