ડેન્ગ્યુ-ચિકનગુનિયા લક્ષણો બદલાતા ડૉક્ટરો મુઝવણમાં
અમદાવાદ, કોરોના વાયરસના ડર વચ્ચે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાએ માથું ઉચક્યું છે, આવામાં રોગના લક્ષણો બદલવાના કારણે લોકોને ઓળખવામાં મુશ્કેલી થઈ રહી છે. જે રીતે કોરોના વાયરસના લક્ષણો બદલાતા રહે છે તે જ રીતે હવે ડેન્ગ્યુ અને ચિનકગનિયાના લક્ષણો બદલાતા તેને ઓળખવામાં લોકોને મુશ્કેલી પડી રહી છે. રહસ્યમય રીતે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના લક્ષણો બદલાયા હોવાનું હેલ્થ વિભાગના સૂત્રોએ સ્વીકાર્યું છે. હવે આ મામલે જરુરી પગલા ભરવામાં આવી શકે છે.
રિપોર્ટ્સ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે મચ્છરની ઉત્પતિ યથાવત રહેતા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં વધારો થયો છે, બીજી તરફ રોગના લક્ષણો બદલાવાના કારણે ડૉક્ટરોને પણ દર્દીઓની સારવાર કરવામાં અને લક્ષણો ઓળખવામાં મુઝવણ અનુભવી રહ્યા છે.
આમ છતાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા હાલના સમયમાં જીવલેણ પુરવાર નથી થયા એટલે ટેસ્ટ બાદ યોગ્ય સારવાર મળતા દર્દી ફરી સ્વસ્થ થઈ જાય છે.
જાેકે, વધતા કેસ ચિંતા વધારી રહ્યા છે. બીજી તરફ કોર્પોરેશના અન્ય વિભાગો દ્વારા મચ્છરોનો ઉપદ્રવ રોકવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે પ્રકારે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં વધારો થઈ રહ્યો છે તેને લઈને પણ શહેરીજનો ચિંતિત છે. ગઈકાલ સુધીમાં પાછલા ચાર દિવસમાં આ બન્ને કેસના ૧૮થી ૨૦ નવા કેસ નોંધાયા હોવાનું સૂત્રો દ્વારા મનાય છે. માત્ર સરકારી હોસ્પિટલો જ નહીં પરંતુ ખાનગી હોસ્પિટલો અને ક્લિનિકમાં પણ તાવના દર્દીઓની સંખ્યા વધી રહી છે.
ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે લક્ષણો ધરાવતી વ્યક્તિઓને ડૉક્ટરો દ્વારા ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવે છે. બીજી તરફ પાણીજન્ય રોગના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે, જાેકે, હજુ કમળો અને ઝાડા-ઉલ્ટીના કેસ પર અંકુશ હોવાનું માનવામાં આવે છે. શહેરમાં મચ્છરજન્ય રોગના દર્દીઓમાં વધારો થવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના હોદ્દોદારોએ અર્બન હેલ્થ સેન્ટરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના રિપોર્ટની વ્યવસ્થા કરવા માટે સૂચન કર્યું છે.SSS