શાહીબાગમાં નોકરાણી રૂ.૭ લાખની ચોરી કરી ફરાર
સરખેજમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી રૂ.ર૦ લાખની કિંમતના દવા બનાવવાના કાચા માલની ચોરી : યુવકને લઈ ઘરે કામ કરવા આવેલી યુવતિએ ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી છે શહેરમાં ટ્રાફિક નિયમના અમલમાં સમગ્ર શહેરનું પોલીસતંત્ર વ્યસ્ત છે ત્યારે તસ્કરો અને લુંટારુઓ બેફામ બની રહયા છે નાઈટ પેટ્રોલીંગના દાવા વચ્ચે પણ ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી છે આ પરિસ્થિતિમાં શહેરના શાહીબાગ વિસ્તારમાં ઘરમાં કામ કરતી નોકરાણી અન્ય એક યુવકની મદદથી રૂ.૭ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતા મકાન માલિકે આ અંગે ફરિયાદ નોંધાવતા શાહીબાગ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વહેપારીના ઘરમાંથી ચોરી થવાની ઘટનાના પગલે પોલીસ અધિકારીઓ પણ સતર્ક બન્યા છે અને આરોપીઓના કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે જેના પરિણામે રોજે રોજ ગંભીર ગુનાઓ બનવા લાગ્ય છે ચોરી અને લુંટની ઘટનાઓમાં આરોપીઓને પકડવામાં સ્થાનિક પોલીસની નિષ્ફળતાથી તસ્કરો અને લુંટારુઓ હવે બેફામ બની ગયા છે શહેરના શાહીબાગ વિસ્તારમાં અને હાઈ સિકયુરિટી ઝોનમાં આવતા સરકિટ હાઉસ પાસે ઈલાઈટ એપાર્ટમેન્ટમાં રહેતા અને એકસપોર્ટ ઈમ્પોર્ટનો ધંધો કરતા વહેપારી યાદવેન્દ્રસિંહ ભગવાનસિંહ જાડેજાએ તાજેતરમાં જ પોતાના ઘરે કામ કરવા માટે બે કામવાળી બાઈઓને રાખી હતી સપના અને પ્રિયંકા નામની આ બંને યુવતિઓ ઘરે કામ કરતી હતી બંને યુવતિઓની પ્રાથમિક વિગતો યાદવેન્દ્રસિંહે મેળવી હતી પરંતુ તેની ચોક્કસ વિગતો મેળવવાની બાકી હતી.
તા.૧પમીએ કામ પર રાખ્યા બાદ પ્રારંભમાં બે દિવસ બંને યુવતિઓએ વ્યક્તિસ્થ કામ કરી વિશ્વાસ હાંસલ કરી લીધો હતો પરંતુ તા.૧૭મીના રોજ સવારે ૧૧.૩૦ વાગ્યે યાદવેન્દ્રસિંહ ઘરમાં હતા ત્યારે પ્રિયંકા નામની યુવતિ ઘરે કામ કરવા આવી હતી પરંતુ તેની સાથે સપના હતી નહી સપનાના સ્થાને પ્રિયંકાની જાડે એક ર૦ વર્ષીય યુવક આવ્યો હતો
યાદવેન્દ્રસિંહે તે અંગે પુછતા પ્રિયંકાએ આ છોકરો તેનો ભાઈ હોવાનું જણાવ્યું હતું જેના પરિણામે યાદવેન્દ્રસિંહને વિશ્વાસ બેઠો હતો ત્યારબાદ બપોરના ર.૦૦ વાગ્યા સુધી આ યુવક- યુવતિ ઘરમાં કામ કરી નીકળી ગયા હતા
બંને જણાં બહાર નીકળતાની સાથે જ દવેન્દ્રસિંહ પણ કોઈ કામસર બહાર જવા નીકળ્યા હતાં અને આ માટે તે પોતાના બેડરૂમમાં બેગમાં મુકેલા રૂપિયા લેવા ગયા હતાં પરંતુ બેડરૂમમાં મુકેલી બેગ ખુલ્લી જણાઈ હતી અને તેમાંથી રૂપિયા ચોરાયેલા હતા જેથી શંકા જતા કબાટના ખાના ચેક કર્યાં હતાં અને તેમાંથી પણ સોના-ચાંદીના દાગીના ચોરાયેલા માલુમ પડયા હતા જેના પરિણામે તેઓ તાત્કાલિક દોડતા બહાર નીકળ્યા હતા અને એપાર્ટમેન્ટના ઝાંપે પહોંચ્યા ત્યારે બહાર ઉભેલા રીક્ષાચાલકને આ યુવક-યુવતિ અંગે પુછયુ હતું.
ઘરમાંથી કુલ રૂ.૬.પપ લાખના સોનાના દાગીના તથા બેગમાં મુકેલી રોકડ રકમ ચોરાતા વહેપારી યાદવેન્દ્રસિંહ એપાર્ટમેન્ટની બહાર દોડતા આવ્યા હતા અને રીક્ષાચાલકને પુછતા રીક્ષાચાલકે જણાવ્યું હતું કે એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળેલા યુવક-યુવતિ સ્કુટર પર બેસીને હમણાં જ નીકળ્યા છે જાકે તેનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બંને જણા ફરાર થઈ ગયા હતાં બે જ દિવસમાં કામ કરવા માટે રાખેલી નોકરાણીએ ઘરમાંથી અંદાજે રૂ.૭ લાખના મુદ્દામાલની ચોરી કરી જતાં યાદવેન્દ્રસિંહ તાત્કાલિક શાહીબાગ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને સમગ્ર હકીકત જણાવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં.
આટલી મોટી રકમની ચોરી થતાં પોલીસ અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર આવી પહોચી તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી કુટેજ મેળવવાના પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા છે આરોપી અંગેની કેટલીક મહત્વપૂર્ણ વિગતો પોલીસને પ્રાપ્ત થઈ હોવાનું જાણવા મળી રહયું છે. વહેપારીના ઘરમાંથી ચોરીની ઘટના ઘટતા જ સ્થાનિક નાગરિકોમાં પણ ફફડાટ ફેલાયેલો છે.
ચોરીની અન્ય એક ઘટના શહેરકોટડા વિસ્તારમાં બની છે જેમાં નરોડા રોડ પર આવેલી પુંજાલાલની ચાલીમાં રહેતા દર્શનભાઈ રમણભાઈ વ્યાસના ઘરમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરમાંથી બે મોબાઈલ ફોન રોકડ રૂપિયા તથા ઘરની બહાર પાર્ક કરેલી ટાટા સુમો કાર મળી અંદાજે રૂ.ર લાખની મત્તાની ચોરી કરી હતી
આ અંગે દર્શનભાઈએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચોરીની ત્રીજી ઘટના સરખેજ વિસ્તારમાં બની છે જેમાં જીવરાજપાર્ક વિસ્તારમાં જયોતિ જલારામ સોસાયટીમાં રહેતા રાજ સંઘવી નામના વહેપારીના સરખેજ એકતા હોટલની બાજુમાં આવેલી ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનનું શટર તોડી તસ્કરો દવા બનાવવાનું કાચુ મટીરિયલ ભરેલા થેલા ચોરી કરી લઈ ગયા હોવાનું જાણવા મળ્યુ છે આ કિંમતી રો મટીરિયલની અંદાજે કિંમત રૂ.ર૦ લાખની થવા જાય છે આટલી મોટી રકમના રો મટીરિયલની ચોરી થતાં જ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે અને તાત્કાલિક સીસીટીવી કુટેજ મેળવી આરોપીઓને ઝડપવાની તજવીજ શરૂ કરી છે.