નેશનલ કોન્ફરન્સના નેતાનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો

નવીદિલ્હી, દિલ્હીમાંથી નેશનલ કોન્ફરન્સના નેતા ત્રિલોચન સિંહ વજીરનો મૃતદેહ મળી આવ્યો છે. રાજધાની દિલ્હીના મોતીનગર વિસ્તારના બસઇ દારાપુરના એક ફ્લેટમાંથી કોહવાયેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો છે. નેશનલ કોન્ફરન્સના નેતા ત્રિલોચન સિંહની તેમના પરિવાર સાથે ૩ સપ્ટેમ્બર બાદથી કોઈ જ વાતચીત થઈ ન હતી. તેઓ એક સપ્ટેમ્બરે જમ્મુથી નીકળ્યા હતા અને ત્રણ સપ્ટેમ્બરે તેઓ કેનેડા જવાના હતા, પરંતુ ત્યારથી તેઓ ગુમ થયા હતા. ગુરુવારે સવારે પોલીસને જાણકારી મળી હતી કે ફ્લેટમાંથી દુર્ગંધ આવી રહી છે.
જ્યારે ઘટનાસ્થળે પોલીસ પહોંચી તો તેમના ફોન પરથી જાણવા મળ્યું હતું કે તે નેશનલ કોન્ફરન્સના નેતા ત્રિલોચન સિંહનો મૃતદેહ છે. ત્યારબાદ દિલ્હી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજાે મેળવીને તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો અહતો. આ તરફ, પોલીસની એક ટીમ તપાસ કરી રહી છે. ફોરેન્સિક ટીમ પણ આ મામલે તપાસ કરી રહી છે.
પશ્ચિમ દિલ્હીના ડીસીપી ઉર્વીજા ગોયલે જણાવ્યુ હતું કે મોતીનગર પોલીસને મૃતદેહની જાણકારી મળી હતી, ત્યાર બાદ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચ્યા હતા, મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. આ મૃતદેહ ૬૭ વર્ષીય નેશનલ કોન્ફરન્સના નેતા ત્રિલોચન સિંહનો હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
ત્રિલોચન સિંહના મોત મામલે ઓમર અબ્દુલ્લાહ સહિત અનેક નેતાઓએ દુખ વ્યક્ત કર્યું છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘વિધાનસભાના પૂર્વ સભ્ય અને મારા સહયોગી સરદાર ટી.એસ. વજીરના અચાનક નિધનના સમાચારથી આઘાત લાગ્યો. હું તેમને થોડા દિવસો પહેલા જ જમ્મુમાં મળ્યો હતો, પરંતુ તે સમયે આ વાતની અનુભૂતિ પણ ન હતી કે હું તેમને છેલ્લી વાર મળી રહ્યો હતો. તેમના આત્માને શાંતિ મળે.’
અકાલી દળના નેતા અને પ્રવકતા મનજિંદર સિંહ સિરસાએ ટ્વીટ કરી કહ્યું, ‘દિ્લ્હમાં મારા પ્રિય મિત્ર એસ. ત્રિલોચન સિંહ વજીરની હત્યાથી આઘાત લાગ્યો છે. ખૂબ જ દુખ પહોંચ્યું છે. તેમણે જિલ્લા ગુરુદ્વારા મેનેજમેન્ટ બોર્ડ, જમ્મુ અને કાશ્મીરના અધ્યક્ષ તરીકે મૂલ્યવાન સેવાઓ આપી હતી. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. વાહેગુરુ તેમના આત્માને શાંતિ આપે.પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, જાે કે હજી સુધી તે સ્પષ્ટ થયું નટી કે નેશનલ કોન્ફરન્સના નેતા ત્રિલોચન સિંહ વજીરનો મોત કઈ પરિસ્થિતિમાં થયું છે અને તેના પાછળનું શું કારણ છે.HS