સુરતમાં મનપાએ મંદિર તોડી પાડતા ભક્તોમાં રોષ, પૂજારી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યાં

સુરત, ગુજરાતના સુરતમાં મંદિરનું ડિમોલેશન કરવાનો મામલો મોટા વિવાદનું જળ બની રહ્યો છે. લોકો સુરત મહાનગરપાલિકાએ કરેલી કામગીરીનો ભારોભાર વિરોધ કરી રહ્યા છે, સુરત શહેરના કાપોદ્રામાં વિકાસના ‘રસ્તા’ પર રોડો બનેલું વર્ષો જૂનું રામદેવપીરનું મંદિર ભારતીય જનતા પાર્ટી શાસિત મહાનગર પાલિકાના અધિકારીઓ દ્વારા ધ્વસ્ત કરવામાં આવ્યું છે.
મંદિરના પૂજારી ચોધાર આસુંએ રડતાં રહ્યા અને પોતાના ભગવાનના ઘરને બચાવવ આજીજી કરતાં રહ્યા પરંતુ દિલ પર પથ્થર રાખીને આવેલા સુરત મનપાના અધિકારીને ન તો લોકોની આસ્થા દેખાઈ ન પૂજારીનું દર્દ. બસ વિકાસના રસ્તાની આડે આવતું બાબા રામદેવપીરનું મંદિર બુલડોઝરથી તોડી પાડવાનું મન બનાવી લેનાર અધિકારીને થોડો પણ ખચકાટ ન થયો અને ભારે વિરોધ વચ્ચે ભગવાનનું મંદિરનું ડિમોલેશન કરાયું.
સુરત મનપાના અધિકારીઓ મોટી સંખ્યામાં દળ અને બળ એટલે કે પોલીસ કાફલો લઈ મંદિરનું ડિમોલેશન કરવા પહોંચ્યા હતા, જે બાદ મંદિરના પૂજારી અને ભક્તોનો ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો, પોતાની આસ્થાનું મંદિર તૂટવા આરે હોવાથી આસપાસના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને સુરત મનપાના આ ર્નિણયનો વિરોધ કરી રહ્યા હતા, પરંતુ સુરત મનપા ટસની મસ ન થતાં પોલીસ બળને આગળ ધરી મંદિર ભાદરવી બીજના શુભ દિવસે જ તોડી પડાયું હતું. મંદિરને ધ્વસ્ત કરતી વખતે જે પણ લોકો તંત્રનો ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા તે લોકોને પોલીસ પકડી પકડીને પોલીસ વાનમાં બેસાડી દીધા હતા.
પોતાની વર્ષો જૂની પેઢીઑથી મંદિરની પૂજા પાઠ કરતાં પૂજારી મધુભાઈ માવજીભાઈ ગરનિયાએ મનપા અધિકારીને મંદિર ધ્વસ્ત ન કરવા ખૂબ સમજાવ્યા, પણ અધિકારી એક ના બે ન થતાં પૂજારી મંદિર તોડતું જાેઈ રડતા રહ્યા રડતાં રહ્યા. પણ પૂજારીની આસ્થાની અદેખી કરાઇ મંદિર પર બુલડોઝર ફરી ગયું અને પૂજારી મધુભાઈ પોતાના હિબકે ચડેલા મને સુરત મનપાના આ ર્નિણયને જાેતાં રહ્યા.
વાલ્મિકી સમાજના આરાધ્ય એવા બાબા રામદેવપીરના વર્ષો જૂના મંદિરને બુલડોઝર દ્વારા જમીનદોષ કરતાં ગુજરાત ભરના હિન્દુ સંગઠનો સુરત મનપાની આ કામગીરીને વખોડી રહ્યા છે અને અને સુરત મનપા પાસે માંગ મૂકી રહ્યા છે કે મંદિર નવેસરથી બનાવવા સુરત મનપા કોઈ જગ્યા આપે. અને જાે આમ ન થયું તો આવનાર દિવસોમાં મોટા પાયે વિરોધની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે.HS