હાઈવે ઓળંગીને બાળકોને અભ્યાસ કરવા જવું પડે છે
ભિલોડાના રંગપુર પાસેથી પસાર થતા હાઈવે પર ઓવરબ્રિજ બનાવવા રજૂઆત : અરવલ્લી જિલ્લા કલેક્ટરને રંગપુરના ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું
અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નં-૮નું રીનોવેશન થઈ રહ્યું છે. આ હાઈવે પહેલા ફોરલેન હતો તેને અપડેટ કરીને સીક્સ લેન બનવા જઈ રહ્યો છે. ત્યારે આ માર્ગ ઉપર રાત દિવસ કામ ચાલી રહ્યા છે. ત્યારે ભિલોડા તાલુકાના રંગપુર સીમમાંથી પસાર થતા આ હાઈવે ક્રોસ કરીને ગામના ધો-૧ થી ૮ના વિદ્યાર્થીઓને પસાર થવું પડે છે જે ખુબ જ જોખમી છે. ત્યારે આ માર્ગ ઉપર રંગપુર ગામની સીમમાં ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
અરવલ્લી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નં-૮ સીક્સ લેન બની રહ્યો છે જેનું કામ હાલમાં જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે ભિલોડા તાલુકાના રંગપુર ગામની સીમમાંથી પસાર થતા હાઈવે પરથી રંગપુરના વિદ્યાર્થીઓને જોખમી રસ્તો ઓળંગીને સ્કૂલે જવું પડે છે. સ્કૂલે જતા નાના ભૂલકાઓ માટે આ માર્ગ ખૂબ જોખમી હોવાને કારણે રંગપુરના ગ્રામજનો દ્વારા સોમવારના રોજ અરવલ્લી જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જેમાં જણાવાયું હતું કે ધો-૧ થી ૮ના વિદ્યાર્થીઓને દિવસભર માતેલા સાંઢની જેમ દોડતા મોટા મોટા વાહનોને કારણે જીવનું જોખમ ખેડીને માર્ગ ઓળંગવો પડી રહ્યો છે.
હાઈવે ઓળંગતી વખતે ક્યારે કોઈ માસુમનો અકસ્માત થઈ જાય તે અંગે વાલીઓને ભારે ચિંતા રહે છે અને બાળક હેમખેમ ઘરે પરત આવે ત્યારે માતાપિતાને શાંતિ થાય છે. ત્યારે રંગપુર ગામની સીમમાં નેશનલ હાઈવે ઓથોરીટી કે સરકાર દ્વારા ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે અગાઉ પણ શાળામાં અભ્યાસ કરતા બે બાળકોના આ માર્ગ ઓળંગતી વખતે અકસ્માત થયો હતો અને તેઓના મોત નિપજ્યા હતા. ત્યારે આવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવી આપવામાં આવે. વધુમાં ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં જો ગ્રામજનોની માગણીનો સ્વીકાર નહીં થાય અને સમસ્યાનો નિકાલ કરવામાં નહીં આવે તો સમસ્ત ગ્રામજનો દ્વારા શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવશે અને રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.