Western Times News

Gujarati News

વધતા જતા વાહનોને કારણે ટ્રાફિક પાર્કિંગની વકરતી સમસ્યા

file

ગુજરાતમાં ફેમીલી દીઠ બે કરતા વધારે વાહનોઃ સ્વયંશિસ્તનો અભાવ, સત્તાતંત્રનો આયોજનનો અભાવથી સમસ્યા વધુ વકરશે

આંબાવાડી પાંચ રસ્તા, છડાવાડ ચોકી પાસે ટ્રાફિક જવાનો મોબાઈલમાં મસ્ત ?

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં જયારે રીલીફ રોડ નિર્માણ પામ્યો ત્યારે વિશાળ રસ્તો જાેઈને લોકો અચંબિત થઈ ગયા હતા આજે પરિસ્થિતિ એ છે કે ત્યાં ટ્રાફિકજામ મોટી સમસ્યા છે. વાહનો પાર્ક કરવા નિયમો બનાવવા પડે છે આવી સ્થિતિ અમદાવાદ શહેર અને પરા વિસ્તારોમાં પ્રવર્તી રહી છે.

એક તરફ વાહનોની સંખ્યા દિન-પ્રતિદીન વધતી જઈ રહી છે તો તેના પાર્કિંગને મુદ્દે સમસ્યાનું નિવારણ મુશ્કેલ થયુ છે. પાર્કિંગના મામલે કોર્પોરેશન- રાજય સરકાર વિચારી રહી છે. પરંતુ ગુજરાતભરમાં મકાન દીઠ વાહનોની સંખ્યા વધતી જઈ રહી છે તેનું શું ?

વળી તેની સાથે સાથે ઓટો રીક્ષાઓ લોર્ડીંગ વાહનોની સંખ્યા તો અલગ જ જણાતી હોય છે ગુજરાતમાં ફેમીલી દીઠ બે કરતા વધારે વાહન જાેવા મળે છે બે-ત્રણ ટુ વ્હીલર તો પાર્કિંગમાં હોય પણ સાથે-સાથે ફોર-વ્હીલર્સ તો પડ્યા જ રહે છે.

મોટાભાગના નાગરિકો, શહેરીજનો કામકાજના સ્થળે જવા માટે દ્વિ-ચક્રી વાહનનો ઉપયોગ કરે છે. ટ્રાફિક- પાર્કિંગની સમસ્યાને કારણે ફોર વ્હીલર્સ રાખી મૂકે છે. શહેરમાં કે નજીકના સ્થળે કામધંધે જતા નગરજનો ટુ-વ્હીલર્સના વપરાશને પ્રાધાન્ય આપે છે.

સૌથી મહત્વની બાબત એ છે કે શહેરમાં પાર્કિંગના મામલે મોટી સમસ્યા છે શહેરી વિસ્તારમાં તો પાર્કિંગ માથાના દુઃખાવા સમાન પ્રશ્ન છે તો પરા વિસ્તારો કે જયાં મોટા મોટા કોમર્શિયલ કોમ્પલેક્ષ થઈ ગયા છે. ફલેટો, સોસાયટીઓ થઈ છે આવા વિસ્તારો કે જે વિકસીત ગણાય છે ત્યાં રસ્તાઓ પર આડેધડ પાર્કિંગ થાય છે.

દુકાનોની બહાર, શાકમાર્કેટની બહાર, ચા-પાણી, નાસ્તાની લારીઓ, દુકાનો વાહનોથી ભરાઈ જાય છે. સાંજના સમય ેતો વાહનો નીકાળવા મુશ્કેલ થઈ જાય છે. ૧પ-ર૦ મીનીટનો રસ્તો કાપતા અડધો-પોણો કલાક થઈ જતો હોય છે. વાહનોની વધતી જતી સંખ્યા ટ્રાફિક- પાર્કિંગના મુદ્દે સ્વયં શિસ્તનો અભાવ, સત્તાતંત્ર તરફથી આયોજનના અભાવને કારણે આગામી દિવસોમાં આ સમસ્યા વધુ વધે તેવી શકયતાઓ છે.

ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સવારના અને સાંજના પિકઅવર્સ દરમિયાન ટ્રાફિક સરળતાથી પસાર થાય તે માટે મોટી મોટી જાહેરાતો અને વાતો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતામાં દ્રશ્ય કંઈક જુદા જ જાેવા મળે છે સાંજના સમયે પરિમલ ગાર્ડન, આંબાવાડી પાંચ રસ્તા, છડાવાડ ચોકી પાસે મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે

ટ્રાફિક શિસ્તબદ્ધ રીતે પસાર થાય તેની જવાબદારી ટ્રાફિકના જવાનોની છે પરંતુ મોટેભાગે ટ્રાફિક પોલીસના જવાનો સાઈડમાં ખુરશીમાં બેઠા મોબાઈલ પર પોતાનો સમય વ્યતિત કરતા જાેવા મળે છે. ટ્રાફિકના જવાનો જયારે ચક્કાજામ થાય ત્યારે જ પોતાના સ્થાનેથી ઉભા થઈને આવે છે

અને પછી ટ્રાફિક હેન્ડલીગ કરે ખરેખર તો સમય પહેલા જ તેમણે ચાર રસ્તા પર અલગ અલગ સ્થળોએ પોતાની પોઝીશન સંભાળી લેવી જાેઈએ પરંતુ એવું ભાગ્યે જ જાેવા મળે છે. ટ્રાફિક વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ રાઉન્ડ પર નીકળતા હોય તે જાેવા મળતું નથી.

સવારે અને સાંજે જયારે ટ્રાફિક વધારે હોય ત્યારે અધિકારીઓ સુપરવાઈઝીંગ કરે તે ખૂબ જ જરૂરી છે. ટ્રાફિક સેન્સના અભાવના કારણે તથા વાહનોની સતત વધતી સંખ્યા ટ્રાફિકની સમસ્યા વકરાવવામાં જવાબદાર પરિબળ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.