ગુજરાતના આ જિલ્લાના ૮૬ ગામોમાં રસીકરણની ૧૦૦ ટકા થયું

કોરોના વાયરસ સામે રક્ષણ આપતી રસી લેવામાં જિલ્લાના નાગરિકો અનેરો ઉત્સાહ દાખવી રહ્યા છે. જિલ્લા વહિવટી તંત્રના મહત્તમ રસીકરણના પ્રયાસો અને જનજાગૃતિના પરિણામે પાટણ જિલ્લાના તમામ નવ તાલુકાઓના મળી કુલ ૮૬ જેટલા ગામોમાં રસીકરણની ૧૦૦ ટકા કામગીરી થવા પામી છે.
પાટણ જિલ્લાના નાગરિકોમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝેશન સહિતની સુચનાઓના અમલ અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વાયરસના સંક્રમણને અટકાવવા લેવામાં આવેલા પગલાઓના પરીણામે ગત તા.૨૮ જુન બાદ જિલ્લામાં કોવિડ-૧૯નો એક પણ કેસ સામે આવ્યો નથી.
અને કોરોના વાયરસની બીજી લહેરનો જિલ્લામાં અંત આવ્યો છે. સાથે જ આરોગ્ય વિભાગના સંકલનમાં રહી તંત્રના વિભાગો, જનપ્રતિનિધિઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓએ કરેલી જનજાગૃતિની કામગીરીના કારણે જિલ્લાના નાગરિકોએ રસીકરણ માટે ઉત્સાહ દર્શાવ્યો છે.
રસીકરણની કામગીરી પર નજર કરીએ તો પાટણ તાલુકાના પાંચ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના ૧૪ ગામ, સિદ્ધપુર તાલુકાના છ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના ૨૪ ગામ, સરસ્વતી તાલુકાના છ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના ૧૮ ગામ, સમી તાલુકાના પાંચ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના ૧૩ ગામ, સાંતલપુર તાલુકાના બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના ૦૭ ગામ, ચાણસ્મા તાલુકાના ૦૩ ગામો, રાધનપુર તાલુકાના ૦૩ ગામો, હારીજ તાલુકાના ૦૨ અને શંખેશ્વર તાલુકાના ૦૨ ગામોમાં ૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ૧૦૦ ટકા લોકોનું રસીકરણ કરી દેવામાં આવ્યું છે.