Western Times News

Gujarati News

અમદાવાદમાં છેલ્લા એક દાયકા દરમિયાન કુતરા કરડવાના પાંચ લાખ કરતા વધુ કેસ નોંધાયા

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, સ્ટમાર્ટ સિટી અમદાવાદમાં શેરી કૂતરાઓની સમસ્યા ખૂબ જ ગંભીર બની રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કૂતરા રસીકરણ માટે પ્રતિ વર્ષ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં કૂતરાઓની સંસ્થા અને કરડવાની સંખ્યા સતત વધી રહી છે. જેના પરિણામે તંત્ર માટે ‘ખાતર પર દિવેલ’ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. મ્યુનિ. કોર્પોરેશને ખાનગી સંસ્થાઓને કૂતરા રસીકરણ માટે કોન્ટ્રાક્ટ આપ્યા છે.

તેમજ તમામ સંસ્થાઓને જમીન પણ ફાળવી છે. તેમ છતાં નિર્ધારિત પરિણામ મળ્યા નથી. જેના પરિણામે કૂતરા કરડવાના કેસ પણ વધી રહ્યા છે. સ્માર્ટ સિટી અમદાવાદમાં છેલ્લા દસ વર્ષમાં કૂતરા કરડવાના પાંચ લાખ કેસ નોંધાયા છે. તેમજ હડકવા વિરોધી રસીની ખરીદી માટે કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ર૦૦પની સાલમાં ‘એનિમલ બર્થ કંટ્રોલ ‘કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં એક જ વર્ષમાં ૪૪ હજાર કૂતરાના રસીકરણ કર્યા હોવાના જે તે સમયે દાવા કર્યા હતા. સદર સંસ્થાનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બદા અગમ્ય કારણોસર તત્કાલિન શાસકો નિદ્રાધીન થઈ ગયા હતા તથા નવા કોન્ટ્રાક્ટ આપવા માટે કોઈ જ પ્રક્રીયા કરી નહતી.

ર૦૧૦ના વર્ષમાં એક વિદેશી મહિલાએ અમદાવાદ મનપાની ઈજ્જતના લીરા ઉડાવ્યા બાદ નિદ્રાધીન મહાનુભવો જાગૃત થયા હતા. તથા તાકીદે દિલ્હી સ્થિતિ સંસ્થાનો સર્વે કરી તેની સાથે કૂતરા પકડવા અને રસીકરણ કરવા માટે એમઓયુ કર્યા હતા.

સદર સંસ્થા સાથે થયેલ કરાર મુજબ મનપાના કર્મચારીઓને કૂતરા પકડવા માટે વિનામૂલ્યે તાલીમ આપવામાં આવશે તેમજ રજિસ્ટડ થયેલ સંસ્થાઓને જ રસીકરણની કામગીરી આપવામાં આવશે. કૂતરા રસીકરણના ખર્ચમાં દિલ્હી સ્થિત સરકારી સંસ્થા મદદ પણ કરશે. નવા કરાર થયા બાદ મનપા દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા.

પરંતુ તેવા નિયા ભાવ આપનાર સંસ્થાઓ રજિસ્ટર્ડ ન હોવાથી કામ શરૂ થયા નહતા. તથા વધુ બે વર્ષ સુધી પરિસ્થિતિ યથાવત રહી હતી. મનપાએ ર૦૧૧ના વર્ષમાં કૂતરાઓની વસ્તીગણતરી કરાવી હતી. તથા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની હદમાં બે લાખ દસ હજાર કૂતરા હોવાની જાહેરાત કરીહ તી.

ર૦૧૧ ગણતરી મુજબ શહેરમાં ર૮ નાગરિકોએ એક શ્વાનનો રેશિયો હતો. મનપાએ ર૦૧ર-૧૩ના વર્ષના ચાર સંસ્થાઓને કૂતરા રસીકરણની કામગીરી માટે તૈયાર કરી હતી. ર૦૧૦ની સાલમાં થયેલ ગણતરી મુજબ શહેમાં બે લાખ કૂતરા હતા. ર૦૧રની સાલથી પ્રતિ વર્ષ સરેરાશ ૩પ હજાર કૂતરાના રસીકરણ થયા છે. તેમ છતાં કૂતરાઓની સંખ્યા પાંચ લાખને પાર કરી ગઈ છે.

ર૦૦૬ના વર્ષમાં કૂતરા કરડવાના માત્ર ૧૮૪૧૪ કેસ નોંધાયા હતા. દસ વર્ષમાં કૂતરા કરડવાના કેસોની સંખ્યામાં લગભગ ત્રણ ગણો વધારો થયો છે. ર૦૧રની સાલમાં રસીકરણના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. તે જ વરસે ૪૦૬પ૪ કેસ બહાર આવ્યા હતા. જેમાં ઉત્તરોતર વધારો થયો છે. મતલબ કે રસીકરણ માટે કરોડો રૂપીયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં પરિણામ શૂન્ય છે. જેનું મુખ્ય કારણ મનપા પાસે રખડતા કૂતરા પકડવા અને તેમને રાખવા માટે યોગ્ય આયોજનનો અભાવ છે.

શેરી કૂતરાઓના રસીકરણ બાદ તેમને છોડી મૂકવામાં આવે છે તેથી નાગરિકોનીની સમસ્યા યથાવત જ રહે છે. શહેરમાં કૂતરા કરડવાના કેસમાં થઈ રહેલ સતત વધારાના કારણે હડકવા વિરોધી રસી માટેના ખર્ચમાં વધારો થયો છે. મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરોમાં દર્દઓને ઈન્ટ્રાડર્મલ રસી આપવામાં આવે છે એક ઈન્ટર્ડયેલ રસીમાં પાંચ ડોઝ હોય છે. પરંતુ બે મિ.લિ.ની ગણતરી મુજબ ચાર દર્દીને ડોઝ આપી શકાય છે મનપા હોસ્પિટલો દ્વારા બજારમાંથી રૂા.૧પ૦ના ભાવથી રસીની ખરીદી કરવામાં આવેછે.

ર૦૧૬-૧૭ ના વર્ષમાં ૩પ૬પ૦, ર૦૧૭-૧૮માં ૪૧પ૯૮ તથા ર૦૧૮-૧૯ના વર્ષમાં ૪પ૦૪૭ રસી ખરીદ કરવામાં આવી હતી. મતલબ કે ત્રણ નાણાકીય વર્ષના ઈન્ટ્રાડયલ રસી માટે રૂા.પ૩.૪૭ લાખ, રૂા.૬ર.૩૯ લાખ તથા રૂા.૬૭.પ૭ લાખનો ખર્ચ થયો હતો. મ્યુનિ. કોર્પોરેશને પાંચ વર્ષમાં રસીકરણ માટે રૂા.૧૧.પ૦ કરોડ ખર્ચ કર્યા છે. મતલબ કે પ્રતિ વર્ષ રૂા.ર.૩૦ કરોડ રસીકરણ માટે ખર્ચ કર્યા છે. જેની સામે પ્રતિ વર્ષ સરેરાશ રૂા.૬૦ લાખ હડકવા વિરોધી રસી માટે ખર્ચ થાય છે મતલબ કે ‘ખાતર પર દિવેલ’ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

લોકડાઉનમાં પણ કુતરા કરડ્યા
અમદાવાદ શહેરમાં દર વરસે સરેરાશ પ૦ હજાર લોકોને કુતરા કરડવાના કેસ બને છે આશ્ચર્યજનક બાબત એ છે કે કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન પણ કુતરા કરડવાના કેસ બન્યા હતાં કેન્દ્ર સરકારે રર માર્ચ ર૦ર૦થી ૩૦ જુન ર૦ર૦ સુધી લોકડાઉન જાહેર કર્યું હતું ત્યારબાદ અંશતઃ અનલોક કરવામાં આવ્યું હતું તેમ છતાં પુનઃ લોકડાઉનના સમય ગાળા દરમિયાન પણ કુતરા, બિલાડી, વાંદરા કરડવાના કેસ બન્યા છે. આંકડા પર દ્રષ્ટિપાત કરીએ તો માર્ચ ર૦ર૦માં કુતરા કરડવાના પ૯૧પ, એપ્રિલમાં ૩૭૦૯, મે- ર૦ર૦માં ર૮૭પ લોકોને કુતરા કરડયા હતા આ બાબત ખરેખર ચોંકાવનારી છે લોકડાઉન દરમિયાન નાગરિકો ઘરની બહાર નીકળી શકે તેમ ન હતા તેમ છતાં ત્રણ દરમિયાન જ અંદાજે ૧ર હજાર લોકોને કુતરા કરડયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.