Western Times News

Gujarati News

ઝઘડિયા મુખ્ય પોસ્ટ ઓફિસની કમ્પ્યુટર સર્વર સિસ્ટમ છેલ્લા 7 દિવસથી બંધ હાલતમાં

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લા ની ઝઘડિયા ની મુખ્ય પોસ્ટ ઓફિસમાં કોમ્પ્યુટર સર્વર સિસ્ટમ છેલ્લા સાત દિવસથી બંધ રહેતા મુખ્ય પોસ્ટ ઓફિસને સંલગ્ન ૧૬ જેટલી બ્રાન્ચ પોસ્ટ ઓફિસની કામગીરીને અસર થતા ઝઘડિયા તાલુકાના હજારો પોસ્ટ ગ્રાહકો અને એજન્ટો એક અઠવાડિયાથી હાલાકીનો સામનો કરી રહ્યા છે. જવાબદાર પોસ્ટની બેદરકારીના પગલે સર્વર સિસ્ટમ બંધ રહેતા પોસ્ટની નવ થી વધુ સેવાઓને અસર પહોંચી છે.

ઝઘડિયા તાલુકા મથકે ભારતીય પોસ્ટની મુખ્ય પોસ્ટ ઓફિસ આવેલી છે.છેલ્લા કેટલા સમય થી અહીં અવારનવાર સર્વર સિસ્ટમમાં સમસ્યા ઉભી થયા કરે છે.આવી સમસ્યાના કારણે તાલુકાભરની ૧૬ બ્રાન્ચ પોસ્ટ ઓફિસને પણ અસર પહોંચે છે તેમ છતાં જીલ્લા પોસ્ટ ના જવાબદાર અધિકારીઓ દ્વારા સર્વર સિસ્ટમ ખરાબ થયા કરવાના બાબતે કોઈ ઠોસ નિરાકરણ લાવવામાં આવતું નથી.હાલમાં છેલ્લા સાત દિવસ થી ઝઘડિયા મુખ્ય પોસ્ટ ઓફિસના કમ્પ્યુટર સર્વર સિસ્ટમ માં ખરાબી આવી છે.

સાત સાત દિવસથી મુખ્ય સહીત બ્રાન્ચ પોસ્ટ ઓફિસો બંધ રહ્યા બાદ પણ જવાબદાર પોસ્ટ અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. થાય છે અને કરાઈ છે જેવી આળસ ભરેલી બેદરકારી દાખવાઈ રહી છે. ગ્રાહકો ધરમધક્કા ખાઈને રોજ પાછા જાય છે. ગ્રાહકોને રોજ એકજ જવાબ આપી દેવામાં આવે છે કે સર્વર ખરાબ થયું છે.

સર્વર ક્યારે ચાલુ થશે તેનો કોઈ જવાબ ગ્રાહકને મળતો નથી. ઝઘડિયાની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે ઝઘડિયા જીઆઈડીસી,ઝઘડિયા કોર્ટ,તાલુકા પંચાયત,મામલતદાર કચેરી,નાયબ કલેક્ટર કચેરી ઉપરાંત હજારો ગ્રાહકોને ટપાલ,રજીસ્ટર એડી સહિત નાણાકીય રોકાણની યોજના ના અલગ અલગ કામો હોઈ છે તે બધીજ કામગીરી સામાન્ય બાબતે છેલ્લા સાત દિવસથી ખોરંભે પડી છે. ઝઘડિયા મુખ્ય પોસ્ટ ઓફિસનું કોમ્પ્યુટર સર્વર સિસ્ટમ ખરાબ થતા પોસ્ટ ની એનએસસી, કેવીપી, એમઆઈએસ, ટાઈમ ડિપોઝિટ, પીપીએફ, રજીસ્ટર એડી, રજીસ્ટર પાર્સલ, પીએલઆઈ, આરપીએલઆઇ જેવી મુખ્ય સેવાઓ બંધ છે.

કોમ્પ્યુટર સર્વર સિસ્ટમ છેલ્લા સાત દિવસથી બંધ રહેતા મુખ્ય પોસ્ટ ઓફિસને સંલગ્ન ૧૬ જેટલી બ્રાન્ચ પોસ્ટ ઓફિસની કામગીરીને અસર થતા ઝઘડિયા તાલુકાના હજારો પોસ્ટ ગ્રાહકો અને એજન્ટો એક અઠવાડિયાથી હાલાકીનો સામનો કરી રહ્યા છે. સર્વર સિસ્ટમ બંધ રહેતા ઝઘડિયા મુખ્ય પોસ્ટ ઓફિસના પોસ્ટ ઈન્સ્પેક્ટર સાથે ટેલિફોનિક વાત થતા તેમને જણાવ્યું હતુંકે આજ સાંજ સુધીમાં સર્વર સિસ્ટમ કાર્યરત થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે આવું તો પોસ્ટ વાળા છેલ્લા સાત દિવસ થી કહી રહ્યા છે પરંતુ પરિણામ આવતું નથી.સત્વરે પોસ્ટની સર્વર સિસ્ટમ સમારકામ કરી પોસ્ટના ગ્રાહકોની સેવા કાર્યાન્વિત કરવામાં આવે તે ઈચ્છનીય છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.