ઝઘડિયા તાલુકાના નર્મદા કિનારાની સીમોમાં ભરાયેલ પાણી ઉતાર્યા બાદ સીમોમાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના મુલદ, ગોવાલી, નાના સાંજા, ઉચેડિયા, રાણીપુરા,મોટા સાંજા,ઝઘડિયા, લિમોદ્રા, કરાડ,અવિધા, પાણેથા, ઈન્દોર વિગેરે ગામોની સીમોમાં નર્મદાના પૂરના પાણી ઓસર્યા બાદ ખેતરોમાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા છે. નર્મદા કાંઠા વિસ્તારોમાં પાંચ દિવસથી વધુ સમય રહેલા પૂરના પાણી ઉતરતા કાળજા કંપાવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પૂરના પાણીમાં ડૂબી ગયેલ કેળનો પાક નિષ્ફળ નીવડ્યો છે. પાણી ઓસર્યા બાદ કેળના થડો હાડપિંજર સમાન ભાસી રહ્યા છે. ખેડૂતોને થયેલ નુક્સાનીની કળ ક્યારે વળશે તે ઉપરવારના હાથમાં છે.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અને સરદાર સરોવર ડેમ માંથી લાખો ક્યુસેક પાણી ડાઉન સ્ટ્રીટમાં છોડવાનાં કારણે ડાઉન સ્ટ્રીટના દશ તાલુકામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. સેંકડો ગામોના હજારો પરિવારો સહીત પશુઓને પણ સલામત સ્થળે ખસેડાયા હતા. ઝઘડિયા પંથકનો નીચાણ વાળો આખો સિમ વિસ્તાર પણ નર્મદાના પૂરના પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. નર્મદાના ઝઘડિયાના કાંઠા વિસ્તારની મુલદ, ગોવાલી, નાના સાંજા, ઉચેડિયા, રાણીપુરા, મોટા સાંજા, ઝઘડિયા, લિમોદ્રા, કરાડ, અવિધા, પાણેથા, ઇન્દોર વિગેરે ગામોની સીમોમાં મુખ્યત્વે કેળ, શેરડી, કપાસનું વાવેતર થયું હતું. અચાનક આવેલા નર્મદાના પૂરના કારણે ધીરે ધીરે કાંઠા વિસ્તારોની સીમોમાં પાણીનો ભરાવો થવા લાગ્યો હતો. ગણેશ વિસર્જન ના દિવસે નર્મદા કિનારા સુધી પહોંચવું અશક્ય બન્યું હતું એટલી હદે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. ખેડૂતો નાસીપાસ થયા હતા. આજે ઉતરશે કાલે પૂરના પાણી ઉતરશે તેમ કરતા કરતા પાંચ દિવસ થી વધુ સમય પૂરના પાણી ઓસરતાં લાગ્યા હતા.
આટલા દિવસ પૂરના પાણી ખેતરોમાં રહેતા ખેડૂતને ખુબ મોટા નુકસાનનો અંદાજ આવી ગયો હતો. ગતરોજ થી નર્મદાના પૂરના પાણી ઓસરવાનું શરૂ થયું હતું, આજે લગભગ પાણી ઉતરી ગયા હતા ત્યારે ખેડૂતો હૃદયમાં એક ડર સાથે સીમમાં ગયા હતા. આખું વર્ષ મહેનત કરી વાવેતર કરેલ પાક ની માવજત કરી મોટો કરેલ પાક પૂરના પાણીના કારણે સદંતર નિષ્ફળ નીવડેલો જોતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. સદંતર નિષ્ફળ થયેલ ખેતીએ ખેડૂતોના કાળજા કંપાવી દીધા હતા એટલી હદે નુકસાની થવા પામી હતી. પાંચ દિવસ પહેલા લીલોછમ લહેરાતો કેળ, શેરડીનો પાક પાંચ દિવસ પાણી ભરાયેલા રહેવાના કારણે સુકાઈ ગયો હતો. પાણી ઓસર્યા બાદ કેળના થડ હાડપિંજર સમાન લાગતા હતા.
આજે એક તરફ કેવડિયા સરદાર સરોવર ડેમ ખાતે નર્મદાના નીરનાં વધામણાં કરવાના ઉત્સવનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો જયારે ડાઉન સ્ટ્રીટના દશ તાલુકા પૈકી ઝઘડિયા તાલુકાના નર્મદા કિનારાની સીમોમાં ખેડૂતો પૂરના થયેલ નુકસાનના કારણે આંસુ સારી રહ્યા હતા. ઝઘડિયા પંથકનો ધરતીપુત્ર નુકસાનીથી ધ્રુજી ઉઠ્યો છે. આવનારા દિવસોમાં પૂરના કારણે થયેલ દુર્દશામાં ખેતરો સફાઈ કરવાનું પણ કઠિન બનશે અને ત્યાં બાદ નવી ખેતી ઉભી કરવા પણ નાણાંની જરૂરિયાત ઉભી થશે તેવી ચિંતા સાથે ખેડૂતો હતાશ જોવા મળ્યા હતા.*