પોલીસની વાન પાણીના પ્રવાહને ચીરી આગળ વધી
રાજકોટ, રાજ્યમાં ભાદરવો ભરપૂર બન્યો છે. મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. સૌરાષ્ટ્રના જામનગર રાજકોટ જૂનાગઢ પોરબંદરમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને જામનગર અને રાજકોટમાં તો જળબંબાકારની સ્થિતિ છે. સૌથી વધુ રાજકોટના લોધિકામાં ૧૭.૫ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સ્થિતિમાં સૌરાષ્ટ્રમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે.
આવા સંજાેગોમાં ઘણા લોકોના રેસક્યૂ કરવામાં આવ્યા છે. પોલીસ લોકો માટે દેવદૂત બનીને સામે આવી છે. રાજકોટ પોલીસનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ઘૂંટણ સમા પાણીમાં પણ પોલીસ વાન લોકોને બચાવવા માટે જઇ રહી છે. રાજકોટ-નાનામવા ફિલ્ડ મર્સલ રોડ પરનો પોલીસ જીપનો વીડિયો વાયરલ થયો છે.
પાણી ભરાયા હોવાની ફરિયાદ મળતા સોસાયટીઓમાં લોકોને બચાવવા પોલીસ પહોંચી હતી. તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.વી.ધોળાની પોલીસ જીપનો વીડિયો વાયરલ થયો છે. ભારે વરસાદમાં પોલીસે સોસાયટીઓમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને લોકો પોલીસની પ્રશંસા કરી રહ્યા છે.
રાજકોટ જિલ્લામાં અવિરત વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ વચ્ચે લોધિકાના બાલાજી પુલ પર પાણીમાં ફસાયેલા વૃદ્ધાને રેસ્ક્યૂ કરી લોધિકા પીએસઆઇ કે કે જાડેજાએ પોલીસની ખરી ફરજનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પીએસઆઇએ કમર ડૂબ પાણીમાં વૃદ્ધાને ઉંચકી સલામત સ્થળે ખસેડયા હતા. પડધરી ગામમાં પણ સ્થાનિક પોલીસ ગામલોકોની વ્હારે આવ્યા હતા. પડધરી તાલુકા પીએસઆઇ આર.જે. ગોહિલે ઘૂંટણ સુધીના પાણીમાં વૃદ્ધાને રેસ્ક્યૂ કર્યા હતા.HS