જામનગરમાં ૨૦૦-૨૫૦ પશુઓનાં મોતનો અંદાજ
જામનગર, જામનગર જિલ્લામાં મેઘરાજાએ જાણે કહેર વર્તાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભારે વરસાદને પગલે જિલ્લાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યાં હતા. નદીના પાણી કિનારા છોડીને ગામના રસ્તાઓ પર વહી હતી. જામનગર શહેરથી ૨૦ કિલોમીટરના અંતરે આવેલા અલિયા અને બાડા ગામમાં પણ વરસાદે તારાજી સર્જી છે. જેમાં પણ સૌથી વધારે તારાજી બાડા ગામમાં થઈ છે. અહીંના લોકોને ખાવા માટેનું અનાજ પણ પલળી ગયું છે. આસપાસના વિસ્તારોમાં પશુધનને ખૂબ મોટું નુકસાન થયું છે. ગામમાં વીજળીના થાંભલા તૂટી ગયા છે.
ગામના લોકોને ખાવા માટે અનાજ નથી, કારણ કે તમામ ઘરોમાં પાણી ભરાઈ ગયા હોવાથી અનાજ પલળી ગયું છે. લોકોના વાહનો પણ પાણીમાં તણાઈ ગયા છે. ઘરવખરી તેમજ ખેડૂતોએ ખેતરોમાં રાખેલી સાધન સામગ્રી પણ પાણીમાં તણાઈ ગઈ છે. ગામના લોકો પાસેથી માલુમ પડ્યું છે કે ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં અંદાજે ૨૦૦થી ૨૫૦ પશુઓનાં મોત થયા છે.
માલિકો પશુઓના બાંધીને રાખતા હોય છે. અચાનક પાણી આવતા ગામ કે પછી સીમમાં બાંધેલા પશુઓને છોડવાનો મોકો જ મળ્યો ન હતો. જેના પગલે અનેક પશુઓ બાંધેલી હાલતમાં જ મૃત્યું પામ્યા છે. તો અનેક પશુઓ પાણીમાં તણાય ગયા હતા. જેમના મૃતદેહ જ્યાંને ત્યાં પડ્યા હોવાના કંપાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. અલિયામાં માલુમ પડ્યું કે ગામના રસ્તા ધોવાઈ ગયા છે. ગામના કાચા મકાનો ધરાશાયી થઈ ગયા છે. ગામમાં વીજળીના થાંભલા પણ તૂટી ગયા છે. ગામના નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે.
સોમવારે અલિયાબાડા ગામમાં રસ્તાઓમાં પશુધન તણાતા હોય તેવા વીડિયો પણ સામે આવ્યા હતા. અચાનક આવેલા પાણીને પગલે ગામના લોકોને મકાનની છત પર રાત વિતાવવાનો વારો આવ્યો હતો. ભારે વરસાદને પગલે અલિયાબાડા ગામમાં એક માળ જેટલું પાણી આવી ગયું હતું. એટલે કે લોકોના ઘરોમાંથી સાતથી આઠ ફૂટ પાણી ભરાઈ ગયું હતું. જેના પગલે તેમની ઘરવખરી પલળી ગઈ છે.
હાલ બંને ગામોમાં સૌથી મોટો પ્રશ્ન જમવાનો છે. કારણ કે લોકોએ ઘરોમાં સંગ્રહેલી અનાજ પલળી ગયું છે. બીજી તરફ લોકોની ઘરવખરી, તેમજ ખેતરમાં રાખેલા ઓજારો અને સામગ્રી પણ વરસાદના પાણીમાં વહી ગયા છે. કાચા મકાનો પડી જવાથી અંદર રહેલી સામગ્રી પણ દબાઈ ગઈ છે. ગામ લોકોના કહેવા પ્રમાણે નીચાણવાળા વિસ્તારમાં રાખવામાં આવેલા બાઇક સહિતના વાહનો પણ પાણીમાં તણાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે અલિયાબાડા ગામમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ વરસતા ક્યાંક ખુશીનાં તો ક્યાંક તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. ગત ૨૪ કલાકમાં રાજ્યનાં ૧૯૨ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ૨૦ તાલુકામાં ૪ ઇંચથી વધુ વરસાદ તો સૌથી વધુ રાજકોટના લોધિકામાં ૨૦.૫ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જામનગરના કાલાવાડમાં ૧૫.૫ ઇંચ અનરાધાર વરસાદ વરસ્યો છે. વરસાદે તારાજી સર્જી છે અને હાલ બચાવ કામગારી ચાલી રહી છે ત્યારે જ સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
જેમાં સૌરાષ્ટ્રમાં આજે (મંગળવારે) ઓરેન્જ અને આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર જિલ્લામાં જાે હજુ વધારે વરસાદ પડશે તો પરિસ્થિતિ નિયંત્રણ બહાર જઈ શકે છે. કારણ કે પહેલાથી જ વરસાદના પાણી ભરાયેલા છે. હવે જાે નવા નીર આવશે તો અનેક લોકોનું સ્થળાંતર કરવું પડશે.SSS