રુપાણીએ CM પદ સાથે રાજ્ય પણ છોડવું પડશે
અમદાવાદ, ગુજરાતની રાજનીતિમાં પાછલા એક સપ્તાહમાં ઉથલપાથલ મચી ગઈ છે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ રાજીનામું આપ્યું અને ત્યારપછી ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. વિજય રુપાણીએ ઈચ્છા વ્યક્ત કરી કે તેઓ રાજીનામું આપ્યા પછી પણ સંગઠનમાં કામ કરવા માંગે છે. પરંતુ તેમની આ ઈચ્છા પૂરી થાય તેમ લાગી નથી રહ્યું. સંકેત મળી રહ્યા છે કે તેમને ગુજરાતની રાજનીતિથી દૂર રાખવામાં આવશે. અને શક્ય છે કે તેમને કોઈ રાજ્યના રાજ્યપાલ બનાવી દેવામાં આવે.
આનંદીબેન પટેલને હટાવીને જ્યારે વિજય રુપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા ત્યારે આનંદીબેને પણ સંગઠનમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તેમની પણ ઈચ્છા પૂરી નહોતી થઈ. કહેવાય છે કે આનંદીબેન પટેલને રાજ્યપાલ બનાવવા પાછળ વિજય રુપાણીની મોટી ભૂમિકા હતી. તેમને લાગતુ હતું કે જાે આનંદીબેન સક્રિય રાજનીતિમાં હશે તો તેમની સમસ્યાઓ વધી શકે છે.
રાજનીતિમાં આ એક સ્થાપિત પરંપરા છે કે જ્યારે કોઈ મુખ્યમંત્રીને તેની ઈચ્છા વિરુદ્ધ જઈને પદ પરથી હટાવવામાં આવે છે તો તે પોતાના ઉત્તરાધિકારી માટે સહજ નથી રહેતો. ગુજરાતમાં આ રાજકીય હલચલ પર ચર્ચાઓ એટલે થઈ રહી છે કારણકે આગામી ૧૬-૧૭ મહિનામાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.
વિજય રુપાણી બીએસ યેદિયુરપ્પાની જેમ રાજ્યપાલ બનવાના પ્રસ્તાવને ફગાવે તેમ લાગી નથી રહ્યું. યેદિયુરપ્પાએ રાજ્યપાલ બનવાનો ઈનકાર કરીને રાજ્યની રાજનીતિમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કેન્દ્રીય નેતૃત્વ જે બીકથી યેદિયુરપ્પાને કર્ણાટકથી બહાર મોકલવા માંગતા હતા, તેમનો ડર સાબિત થઈ રહ્યો છે. મુખ્યમંત્રી પદ પરથી હટાવ્યા પછી યેદીયુરપ્પાએ યાત્રાઓ શરુ કરી છે.
વિજય રુપાણીના રાજીનામાના કારણોની જે ચર્ચા ચાલી રહી છે તેમાં એક મુદ્દો એ પણ છે કે તે જાતીય સમીકરણોમાં ફિટ નહોતા. ગુજરાતની મોટી વોટ બેન્ક પાટીદારોની છે. વિજય રુપાણીને જ્યારે ૨૦૧૬માં ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા ત્યારે પાર્ટી દ્વારા એક પ્રયોગ કરવામાં આવ્યો હતો. ૨૦૧૭ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિજય રુપાણીના નેતૃત્વમાં જેમ તેમ કરીને ચૂંટણી જીતી ગઈ, પરંતુ પાર્ટી ૨૦૨૨ માટે જાેખમ ઉઠાવવા નથી માંગતી. પાર્ટી પાટીદાર નેતૃત્વ સાથે મેદાનમાં ઉતરવા માંગે છે.SSS