આઠ મહાનગરોમાં નાઈટ કર્ફ્યુ ૨૫મી સુધી લંબાવાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/09/Night-1024x614.jpg)
પ્રતિકાત્મક
ગાંધીનગર, ગુજરાતમાં કોરોના વાયરસના કેસો ઘટીને તળિયે આવી ગયા છે. કરોડો લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ મળી ગયો છે અને બીજા ડોઝની પ્રક્રિયા ચાલુ છે. હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે ત્યારે ગુજરાત રાજ્ય સરકારે ફરી ૮ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવવાનો ર્નિણય લીધો છે.
રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે રાજ્યના ૮ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેરમાં તારીખ ૧૫ સપ્ટેમ્બરથી ૨૫ સપ્ટેમ્બર સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે. આ ૮ શહેરોમાં રાત્રે ૧૧ કલાકથી સવારે ૬ કલાક સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે.
પ્રવર્તમાન પરિસ્થિતિની પુનઃસમીક્ષા કરી રાજ્યની ૮ મહાનગરપાલિકાઓમાં તારીખ ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રાત્રિના ૧૧ કલાકથી તારીખ ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૧ના સવારના ૬ કલાક સુધી રાત્રિ કર્ફ્યુની અવધિ લંબાવવામાં આવી છે. રાજ્યભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ માટે રાજ્ય સરકારે ખાસ ગાઇડલાઇન જાહેર કરી હતી.
રાજ્યભરમાં ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકોએ આ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા ૧૨ કેસ નોંધાયા છે અને સામે ૧૬ દર્દીઓ સાજા થયા છે.
આજે પણ રાજ્યમાં કોરોના વાયરસના કારણે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૮૧૫૩૮૬ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે અને કુલ મૃત્યુઆંક ૧૦૦૮૨ નોંધાયો છે. એક્ટિવ કેસો ૧૬૧ છે જેમાં ૫ દર્દી વેન્ટિલેટર પર જ્યારે ૧૫૬ દર્દી સ્ટેબલ છે.
છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાં ૬, વડોદરામાં ૪, જામનગરમાં ૧ અને સુરત (જિલ્લા)માં ૧ કેસ નોંધાયો છે. સાર્વજનિક ગણેશોત્સવમાં ૪ ફૂટની ગણેશ પ્રતિમા તથા ઘરમાં ૨ ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકાશે.
સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ મંડપમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનું પાલન, ફરજિયાત માસ્ક સાથે લોકો ગણેશ દર્શન કરી શકશે. સાર્વજનિક ગણેશોત્સવ સ્થળોએ માત્ર પૂજા-આરતી અને પ્રસાદ વિતરણની ધાર્મિક વિધિની જ છૂટ આપવામાં આવી છે અન્ય કોઇ જ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં.
ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ ૧૫ લોકોની મર્યાદામાં એક વાહન દ્વારા સ્થાપન-ર્વિસજનની મંજૂરી આપવામાં આવશે. રાજ્યમાં જન્માષ્ટમી પર્વે યોજાતી શોભાયાત્રાની પરંપરા જળવાય તે માટે ૨૦૦ લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ ઉપર યાત્રાની છૂટ અપાશે.SSS