મંત્રીમંડળે રેલવેના કર્મચારીઓ માટે પીએલબીની ચૂકવણીને મંજૂરી આપી
નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2018-19 માટે પાત્રતા ધરાવતા 11.52 લાખથી વધુ નોન ગેઝેટેડ રેલવે કર્મચારીઓને ઉત્પાદકતા આધારિત બોનસ (PLB) કે જે 78 દિવસના પગારને સમકક્ષ છે તેની ચૂકવણી કરવાની મંજૂરી આપી દીધી છે. રેલવે કર્મચારીઓમાં ઔદ્યોગિક શાંતિ અને પ્રેરણા જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેના પગલે સરકારી તિજોરીમાં 2024.40 કરોડ રૂપિયાનો ખર્ચ ઉમેરાશે.
શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સંચાલિત સરકારે સતત છઠ્ઠા વર્ષે આ 78 દિવસના પગારના બોનસની ચૂકવણી યથાવત જાળવી રાખી છે. તેને ક્યારેય ઘટાડવામાં નથી આવી.
લાભ: નાણાકીય વર્ષ 2018-19 માટે યોગ્યતા ધરાવતા રેલવેના કર્મચારીઓ (આરપીએફ/આરપીએસએફ પર્સોનેલ સિવાયના)ને 78 દિવસના પગારને સમકક્ષ પીએલબીની ચૂકવણી કરવાથી વિશાળ સંખ્યામાં રહેલા રેલવેના કર્મચારીઓમાં રેલવેના પ્રદર્શનને વધુ સારું બનાવવાનો ઉત્સાહ વધશે અને તેઓ આગળ જતા ઉત્પાદકતાનું સ્તર વધુ સુધારશે તેમજ ઔદ્યોગિક શાંતિ પણ જળવાયેલી રહેશે.
તમામ નોન ગેઝેટેડ રેલવે કર્મચારીઓને પીએલબી એ રેલવેને અસરકારક રીતે ચલાવવામાં તેમના યોગદાન બદલ આપવામાં આવેલ એક પુરસ્કાર છે. વિશાળ સંખ્યામાં રહેલા રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોની અંદર આ પુરસ્કારથી સંકલિતતા અને સમાનતાની ભાવનામાં પણ વૃદ્ધિ થશે.