Western Times News

Gujarati News

એનડીએમએ દ્વારા કંડલા બંદર ખાતે સીબીઆરએન આકસ્મિક સ્થિતિ માટેનો તાલીમ કાર્યક્રમ યોજાયો

 નવી દિલ્હી (PIB) , રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (એનડીએમએ) ગુજરાતના કંડલામાં દીનદયાળ બંદર ટ્રસ્ટ ખાતે એક પ્રાથમિક તાલીમ કાર્યક્રમ યોજી રહી છે. પાંચ દિવસ સુધી ચાલનારો આ કાર્યક્રમ જૂન 10, 2019ના રોજ શરુ કરવામાં આવ્યો હતો જેનો ઉદ્દેશ્ય દરિયાના બંદરો પર સીબીઆરએન આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે દરિયાકાંઠાના બંદરોમાં આકસ્મિક પરિસ્થિતિની વ્યવસ્થા કરનારાઓ (એસઈએચ)માં જાગૃતિ વધારવા અને તેમની તૈયારીઓ વધારે સારી બનાવવાનો છે.

આ પ્રકારના કાર્યક્રમોની શ્રેણીમાં આ ચોથો કાર્યક્રમ છે કે જે સમગ્ર દેશમાં જુદા-જુદા બંદરો પર જ્યાં સુધી તજજ્ઞ પ્રતિકાર ટુકડી ન આવી પહોંચે ત્યાં સુધી એસઈએચને યોગ્ય રીતે પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ બનાવાનો છે. અગાઉ આ વર્ષમાં મેંગલોર, કોચી અને નવી મુંબઈ ખાતે આ પ્રકારની એસઈએચની ત્રણ ટુકડીઓને તાલીમ આપવામાં આવી હતી.

દરિયાકાંઠાના બંદરો પર વિશાળ જથ્થામાં કેમિકલ, પેટ્રોકેમિકલ અને અન્ય સીબીઆરએન ઘટકોનું આગમન, સંગ્રહ અને વહન થતું હોવાના કારણે સીબીઆરએન (કેમિકલ, બાયોલોજીકલ, રેડિયોલોજીકલ અને ન્યુક્લિયર) આપત્તિઓ ઉત્પન્ન થતી હોય છે.

આ તાલીમ કાર્યક્રમ ભારતીય બંદર સંસ્થાન (ઇન્ડિયન પોર્ટ એસોસિએશન – આઈપીએ), ઇન્સ્ટીટયુટ ઑફ ન્યુક્લિયર મેડિસીન્સ એન્ડ સંલગ્ન વિજ્ઞાન (આઈએનએમએએસ) તેમજ રાષ્ટ્રીય આપત્તિ નિવારણ દળ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ – એનડીઆરએફ) સાથે મળીને યોજાઈ રહ્યો છે. આ તાલીમ કાર્યક્રમ કોઇપણ સીબીઆરએન અકસ્માતને પહોંચી વળવા માટે એસઈએચને સક્ષમ બનાવીને આપણા દરિયાઈ બંદરો પર સીબીઆરએન સુરક્ષાને વધારશે.

આ કાર્યક્રમમાં વ્યાખ્યાનોની સાથે-સાથે પ્રાયોગિક તાલીમ કે જેમાં શંકાસ્પદ પદાર્થોને શોધવાની અને તેને નિષ્ક્રિય કરવાની તથા પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ (પીપીઈ) સહિત મોક કવાયતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એસઈએચને સીબીઆરએન આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા સક્ષમ બનાવવા ઉપરાંત આ કાર્યક્રમ તેમને તબીબી પ્રાથમિક ચિકિત્સા અને પ્રાથમિક તબક્કાના માનસિક સામાજિક સહયોગ પણ પૂરા પાડવામાં આવશે.

હિતધારક વિભાગોના નિષ્ણાતો જેવા કે એટમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ (એઈઆરબી), ભાભા એટમિક રીસર્ચ સેન્ટર (બીએઆરસી) અને ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) આ કાર્યક્રમમાં ભાગ લેનારાઓને તાલીમ આપી રહ્યાં છે.

જુદી-જુદી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતા આશરે 5૦ તાલીમાર્થીઓ કે જેઓ દરિયાના બંદરોનું સંચાલન અને જાળવણી કરવા માટે જવાબદાર છે તેમને સીબીઆરએન આકસ્મિક સ્થિતિના જુદા-જુદા વિષયોની તાલીમ આપવામાં આવી રહી છે. અન્ય 200 કાર્યકારી સ્તરના સ્ટાફને આ વિષય પર અડધા દિવસના કાર્યક્રમ અંતર્ગત જાગૃત કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.