કોન્ટ્રાક્ટરો દ્વારા ખરીદ કરવામાં આવેલી ગાડીઓનું લોકાર્પણ મ્યુનિ.કોર્પોરેશન કરશે
સોલીડ વેસ્ટ ખાતાના અધિકારીની બલિહારી |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગમાં વિવાદો લગભગ કાયમી બની ગયા છે. ડોર ટુ ડોરની કથળી રહેલી સેવા, પીરાણા ડમ્પ સાઈંટ, કન્ટેઈનરો દૂર કરવા જેવા અનેક મુદ્દે ખાતાના અધિકારીઓ વિવાદના કેન્દ્ર બિંદુ બન્યા છે. સ્વચ્છ સર્વેક્ષણ દરમ્યાન ઓડીએફધમાં નેગેટીવ રીમાર્કસ મળ્યા બાદ યેનકેન પ્રકારે પોઝીટીવ રીમાર્ક લેવામાં આવી હતી. પીરાણા ડમ્પ સાઈટના નિકાલ માટે ભ્રામક દાવાઓ કરવામાં આવી રહ્યા છે. સ્પોટ ટુ ડમ્પ માટે બંધ બોડીની ગાડીઓના લોકાર્પણ માટે પણ જારશોરથી જાહેરાતો થઈ રહી છે. પરંતુ ચોંકાવનારી બાબત તો એ છે કે સોલીડ વેસ્ટ ખાતાના અધિકારી અન્ય વ્યક્તિના કામનો યશ લેવા જઈ રહ્યા છે. મતલબ કે કોન્ટ્રાક્ટરો દ્વારા ખરીદ કરવામાં આવેલ વાહનોના લોકાર્પણ કોર્પોરેશન દ્વારા થઈ રહ્યુ છે.
મ્યુનિસિપલ કોર્પોેરશન દ્વારા ગુરૂવારે વસ્ત્રાપુર તળાવમાં ‘નર્મદાના નીર’ ના વધામણા અને મહાઆરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. સદ્દર કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વિવિધ કામોના લોકાર્પણ કરવામાં આવશે. જેમાં હાઉસિંગ પ્રોજેક્ટ તથા સ્વચ્છ ભારત મિશનના કામોનો સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેમાં સ્વિપરમશીન, લીટરપીક્ટ, ગર્લ્સ હોસ્ટેલ, હાઉસિંગ પ્રોજેક્ટના ામો તથા બંધ બોડીના વાહનોના લોકાર્પણ/ ખાતમુહુર્તનો સમાવેશ થાય છે.
સોલીડ વેસ્ટ ખાતા દ્વારા સ્વીપર મશીન અને લીટરપીકરની ખરીદ કરવામાં આવી છે. પરંતુ બંધ બોડીના ૧૬૦ વાહનો ‘સ્પોટ ટુ ડમ્પ’ના કોન્ટ્રાક્ટરો દ્વારા ખરીદ-કરવામાં આવ્યા છે. સ્પોટ ટુ ડમ્પના કામમાં અગાઉ ટ્રક્ટર-ટ્રોલીનો ઉપયોગ થતો હતો. નવા ટેન્ડરમાં બંધ બોડીના વાહનોની શરત રાખવામાં આવી હતી. તેથી કોન્ટ્રાકટરોએ ૧૬૦ બંધ બોડીના વાહનોની ખરીદી કરી છે.
જેના માટે પ્રતિ વાહન રૂ.દસ લાખનો ખર્ચ પણ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવ્યો છે. તેમ છતાં સોલીડ વેસ્ટ ખાતાના ડાયરેક્ટર યશ લેવાની લ્હાયમાં કોન્ટ્રાક્ટરોના વાહનોનું લોકાર્પણ પણ મુખ્યમંત્રીના હસ્તે કરાવી રહ્યા છે. તેમની આ હરકત ‘મુસાભાઈના વા..પાણી’ની યાદ અપાવી જાય છે.
સોલીડ વેસ્ટ ખાતાના ડાયરેક્ટરે સ્વચ્છતા સર્વેક્ષણ દરમ્યાન જે નિર્ણયો લીધા હતા તે તમામ નિર્ણયો બુમરેંગ સાબિત થઈ રહ્યા છે. સ્વચ્છતા, સર્વેક્ષણમાં માત્ર પ૦ માર્કસ મેળવવા માટે એક હજાર કન્ટેઈનરોને દૂર કરવામાં આવ્યા હતા. તથા કન્ટેઈનરોના સ્થાને એકત્રિતા થતા કચરાનો નિકાલ કરવા માટે બમણા ભાવ પણ આપ્યા હતા. શહેરની સડકો પરથી કન્ટેઈનરો દુર કર્યા બાદ ન્યુસન્સ સ્પોટની સંખ્યા પણ વધી ગઈ છે.
. ઈન્દોરની નકલ કરવામાં અવ્વલ અધિકારીઓએ ખુણેખાંચરે જઈને લીટરબીન ગોઠવ્યા છે. પરંતુ તેના કારણે સ્વચ્છતાના સ્તરમાં લેશમાત્ર સુધારો થયો નથી. તેથી કન્ટેનરો અને લીટરબીનના વિકલ્પરૂપે ‘સિલ્વર ટ્રોલી’ મુકવા માટે કોર્પોેરેટરો માંગણી કરી રહ્યા છે. નોંધનીય બાબત એ છે કે કન્ટેઈનરો હટાવ્યા બાદ પણ સિલ્વર ટ્રોલીનો ઉપયોગ થઈ રહ્યો છે. તથા તેના કારણે ગંદકીના પ્રમાણમાં ઘટાડો થયો હોવાના રીપોર્ટ પણ કમિશ્નરને મળ્યા છે. તેથી ન્યુસન્સ સ્પોર્ટમાં ઘટાડો કરવા માટે ૪૦૦થી પ૦૦ નંગ સિલ્વર ટ્રોલી મુકવા માટે સક્રિય વિચારણા ચાલી રહી છે.