સરકારી બોગસ વેબસાઈટ બનાવી છેતરપીંડીનું ષડયંત્ર
ગેસ સ્ટેશનો સ્થાપવા માટે જીએસપીસીની યોજનાનો ગેરલાભ ઉઠાવી કૌભાંડીઓએ બોગસ વેબસાઈટ બનાવી : અમદાવાદ સાયબર સેલે શરૂ કરેલી તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી |
(પ્રતિનિધિ) અમદાવાદ : કેન્દ્રમાં ભાજપનુ શાસન આવ્યા બાદ ઓનલાઈન પેમેન્ટ તથા સરકારી ટેન્ડરોની કામગીરી પણ ઓનલાઈન થઈ જતા સરકારની કેટલીક મહત્વપૂર્ણ વેબસાઈટો પર ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાતી હોય છે દેશભરમાં કેશલેશ પધ્ધતિ અપનાવવાના મુદ્દે હવે નાગરિકો બેંકો તરફ વળવા લાગ્યા છે
આ ઉપરાંત મહત્વપૂર્ણ કામગીરીઓ પણ ઓનલાઈન થઈ જતા તમામ પ્રક્રિયા ઓનલાઈન થવા લાગી છે આ દરમિયાનમાં ગુજરાતની જીએસપીસી કંપની દ્વારા ગેસ સ્ટેશનો માટે ખાસ યોજના બનાવી રાજયભરમાં ગેસ સ્ટેશનો ઉભા કરવા માટે આવેદનો મંગાવ્યા હતા અને આ માટે વેબસાઈટ પર અરજી કરવા જણાવાયું હતું
આ તકનો કેટલાક ગઠીયાઓએ લાભ ઉઠાવી જીએસપીસીની આવી જ એક વેબસાઈટ બનાવી ઓનલાઈન ઠગાઈ કરવાનું ષડયંત્ર રચ્યુ હોવાનું બહાર આવતા જ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે અને આ અંગે અમદાવાદ સાયબર સેલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે ગુજરાતની જીએસપીસી કંપની દ્વારા ગેસ સ્ટેશનો બનાવવા માટે મહત્વપૂર્ણ કામગીરી શરૂ કરવામાં આવી હતી આ માટે રાજય સરકાર દ્વારા સીએનજી સહભાગી નામની યોજના જાહેર કરવામાં આવી હતી અને આ યોજના અંતર્ગત રાજયભરમાં સીએનજી ગેસ સ્ટેશનો સ્થાપવા ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ કામગીરી શરૂ કરવામાં આવનાર છે
આ માટે જીએસપીસી દ્વારા જાહેરાતો કરવામાં આવી હતી અને સીએનજી સહભાગી ડોટ કોમ નામની વેબસાઈટ પર ગેસ સ્ટેશન સ્થાપવા માટે ઈચ્છુક લોકોને અરજી કરવા જણાવાયું હતું આ અરજી કરનારાઓએ ઓનલાઈન જ જરૂરી દસ્તાવેજા સબમીટ કરવાના હતા અને આ માટે રૂ.૧૦ હજાર પરત નહી આપવાની શરતે ભરવાના છે આમ ગેસ સ્ટેશન સ્થાપવા માટે ઈચ્છુક પ્રત્યેકની રૂ.૧૦ હજારની ડીપોઝીટ ભરવાની હતી.
જીએસપીસી દ્વારા આ વેબસાઈટ બનાવ્યા બાદ તેના ઉપર ગેસ સ્ટેશન સ્થાપવા માટે કેટલાક લોકોએ અરજી કરી હતી પરંતુ આ દરમિયાનમાં જ જીએસપીસીના ચીફ ફાયનાન્સીયલ ઓફિસર નિતેશ ભંડારીયાને કેટલીક ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી અને તેમણે આ અંગે તપાસ કરતા ચોંકાવનારું ષડયંત્ર જાણવા મળ્યું હતું.
તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જીએસપીસી દ્વારા સીએનજી સહભાગી ડોટ કોમ નામની વેબસાઈટ પર અરજીઓ મંગાવવામાં આવી રહી છે ત્યારે કેટલાક કૌભાંડીઓએ જીએસપીસીના બોગસ નામ હેઠળ સીએનજી સહભાગી યોજના ડોટ કોમ નામની ભળતી બોગસ વેબસાઈટ બનાવી દીધી છે અને તેના ઉપર પણ ગેસ સ્ટેશનો બનાવવા માટે આવેદનો મંગાવવામાં આવી રહયા છે જાકે આ વેબસાઈટ પર અરજી કરનારે રૂ.૧૦ હજારની ડીપોઝીટ રિફંડ આપવામાં આવશે તેવી લાલચ આપવામાં આવી હતી
આ માહિતી મળતા જ નિતેશભાઈએ તાત્કાલિક કંપનીના ઉચ્ચ અધિકારીઓને આ અંગેની જાણ કરી હતી અને આ અંગે તપાસ કરવા જણાવ્યું હતું આ અંગેની જાણ થતાં જ કંપનીના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા અને સીએનજી સહભાગી યોજના ડોટ કોમ નામની બોગસ વેબસાઈટ ખોલતા તે ખુલી ગઈ હતી અને તેમાં કેટલીક ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી.
રાજય સરકારની અત્યંત મહત્વની જીએસપીસી કંપનીની બોગસ વેબસાઈટ બનાવી નાગરિકો સાથે છેતરપીંડી કરવાના ષડયંત્રનો પર્દાફાશ થતાં જ જીએસપીસીની ગ્રુપ કંપની ગુજરાત ગેસમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારી રાજુભાઈએ આ અંગે અમદાવાદ શહેર ક્રાઈમબ્રાંચના સાયબર સેલને સમગ્ર હકીકત જણાવી હતી જેના પગલે સાયબર સેલ દ્વારા પણ ગંભીર એવા આ ષડયંત્રની તપાસ શરૂ કરતા બોગસ વેબસાઈટમાંથી ગુરૂકુળ સનરાઈઝ પાર્કનું સરનામું બહાર આવ્યું હતું.
જીએસપીસીની બોગસ વેબસાઈટ બનાવી ગેસ સ્ટેશનો સ્થાપવા માટે ઈચ્છીક લોકો પાસેથી નાણાં પડાવવા માટે બોગસ વેબસાઈટ બનાવવાનો ષડયંત્રનો પર્દાફાશ થતાં અમદાવાદ સાયબર સેલે ગંભીર એવી આ ઘટનામાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ કેટલાક લોકો પાસેથી ષડયંત્રકારોએ રૂપિયા પડાવ્યા હોવાનું જાણવા મળી રહયું છે. જાકે આરોપીઓ પકડાયા બાદ જ સંપૂર્ણ હકીકત બહાર આવશે. હાલમાં આ અંગે તપાસ ચાલુ છે.