IT ટીમ બીજા દિવસે પણ પહોંચી અભિનેતા સોનુ સૂદના ઘરે

નવી દિલ્હી, આવકવેરા વિભાગના અધિકારીઓની ટીમ સતત બીજા દિવસે પણ અભિનેતા સોનુ સૂદના ઘરે સર્વે કરવા માટે પહોંચી ગઈ છે. બુધવારની માફક આજે (ગુરૂવારે) પણ આવકવેરા વિભાગની ટીમ સોનુ સૂદના ઘરે સર્વે કરી રહી છે. આવકવેરા વિભાગની ટીમે બુધવારે સોનુ સૂદ સાથે સંકળાયેલા 6 સ્થળોનો સર્વે કર્યો હતો. જાણવા મળ્યા મુજબ સોનુ સૂદના ફાઈનાન્સિયલ રેકોર્ડ્સ, ઈનકમ, એકાઉન્ટ બુક્સ, ખર્ચા સાથે સંકળાયેલા ડેટાની તપાસ કરવામાં આવી રહી છે. સોનુ સૂદના ઘરે જે પ્રકારે સર્વે કરવામાં આવી રહ્યો છે તેને લઈ આમ આદમી પાર્ટીએ નારાજગી વ્યક્ત કરી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોનુ સૂદના સપોર્ટમાં આગળ આવ્યા હતા. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, સચ્ચાઈના રસ્તે લાખો મુશ્કેલીઓ આવે છે પરંતુ જીત હંમેશા સચ્ચાઈની થાય છે. સોનુ સૂદજી સાથે ભારતના એ લાખો પરિવારોની દુવાઓ છે જેમને મુશ્કેલીના સમયે સોનુજીનો સાથ મળ્યો હતો.
જોકે હજુ સુધી આ મામલે સોનુ સૂદનું કોઈ રિએક્શન સામે નથી આવ્યું. 2 દિવસના સર્વે બાદ આવકવેરા વિભાગની ટીમ શું પરિણામ સુધી પહોંચે છે તે જોવાનું રહ્યું. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી દરમિયાન હજારો લોકોની મદદ કરીને સોનુ સૂદ તેમનો મસીહા બન્યો હતો. એક્ટિંગ ઉપરાંત આ પ્રકારના સત્કર્મોને લઈ સોનુને લોકપ્રિયતા મળી છે.