ખંભાતના પટેલ પરીવારને માતર પાસે અકસ્માત નડ્યોઃ3 નાં મોત
સાજીદ સૈયદ, (નડિયાદ) દુબઇથી પરત આવી રહેલા ખંભાતના પરીવારને માતર પાસે અકસ્માત નડતાં માતા-પિતા અને યુવાન પુત્રના મોતને ભેટયા છે, સમગ્ર પરિવારમાં આ અકસ્માતને પગલે માતમ છવાઈ ગયો છે. આ અકસ્માતમાં ગર્ભવતી પુત્રવધૂ સહિત ત્રણ અન્ય લોકો પર ગંભીર છે.
દુબઈથી પોતાના માદરે વતન ખંભાતમાં આવવા નીકળેલા પટેલ પરિવાર અમદાવાદ એરપોર્ટ ઉતર્યા બાદ કાર મારફતે અમદાવાદથી ખંભાત મંગળવારે વહેલી સવારે જતો હતો. તે વખતે ખેડા જિલ્લાના માતર નજીક તેમની કારને અકસ્માત નડતાં પટેલ પરિવારના ત્રણ સભ્યો ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. જ્યારે ત્રણને ગંભીર ઈજાઓ થઈ હતી.
મળતી માહિતી મુજબ ખંભાતમાં રહેતા સેવંતીલાલ પટેલ અને તેમના પતિ અંજનાબેન દુબઈમાં રહેતા દિકરાને મળવા માટે દુબઈ ગયા હતા. જેઓને પરત ખંભાત પરત આવવાનું હોઇ દિકરો હિમાંશુ અને વહુ હેલી સમગ્ર પરીવાર સાથે સ્વદેશ આવ્યા હતા. આજે સવારે અમદાવાદ, એરપોર્ટ પર ઉતર્યા હોવાથી ખંભાતમાં રહેતો તેમનો સબંધી રાકેશ પ્રવિણભાઈ પટેલ તેઓ લેવા એરપોર્ટ પર ગયો હતો.
આ તમામ લોકો મંગળવારે વહેલી સવારે દુબઇથી પરત આવ્યા બાદ એરપોટથી ખંભાત ઈકો કાર નં.જીજે. ૧૩ એએમ. ૫૫૭૬ માં ખંભાત જઈ રહ્યા હતા. દરમ્યાન માતર પાસે નેહા.નં.૪૮ પર વાત્રક પુલ પાસે ડ્રાવિર રાકેશને ઝોકુ આવી જતાં તેણે પોતાની ઇકો કાર આગળ જતા કંટેનર નં.જીજે. ૧.એયુ .૪૬ ૧૩ પાછળ પુરપાટ ઝડપે ધડાકા ભેર અથડાવી દીધી હતી.
અકસ્માતને પગલે કારમાં બેઠેલા સેવંતીલાલ શંકરભાઈ પટેલ ઉ.વ. ૭૧, હિમાશું સેવંતીલાલ પટેલ ઉ.૩૫ તેમજ અંજનાબેન સેવંતીલાલ પટેલ ઉ.૬પને ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે હેલીબેન હિમાંશુભાઇ પટેલ અને કારના ડ્રાઇવર રાકેશભાઇ પ્રવિણભાઈ પટેલને ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. સમગ્ર ઘટના અંગે માત પોલીસ મથકે ઇકો કારના ચાલક વિરૂધ્ધ બેફીકરાઇ અને ગફલતભરી રીતે કાર હંકારી અકસ્માત સર્જવા બાબતે ફરીયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.