ભારતના વૈજ્ઞાનિકોએ ડેંગ્યુની બે દવા શોધી કાઢી
નવી દિલ્હી, ડેંગ્યુની સારવાર માટે દવાનું રિસર્ચ કરી રહેલા વૈજ્ઞાનિકોને એક મોટી સફળતા હાથ લાગી છે. લખનૌની કેન્દ્રીય ઔષધિ સંશોધન સંસ્થા (સીએસઆઈઆર-સીડીઆરઆઈ)ના વૈજ્ઞાનિકોએ ૨ ડ્રગ શોધી કાઢ્યા છે. તેનું પ્રથમ ચરણનું ઉંદરો પરનું ટ્રાયલ પણ સફળ રહ્યું છે અને ટૂંક સમયમાં જ મનુષ્ય પર પરીક્ષણ કરવામાં આવશે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનો આવતા જ ડેંગ્યુનું જાેખમ વધવા લાગે છે.
શરૂઆતમાં તો તે સામાન્ય તાવ લાગે છે પરંતુ યોગ્ય સારવારની ઉણપ અને મોડું થવાના કારણે તે જીવલેણ બની જાય છે. આ ડ્રગ અત્યાર સુધી થ્રોમબોસેસની સારવાર માટે પ્રયોગમાં લેવાતું હતું. હાલ ઉંદરો પર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ મનુષ્ય પરની ટ્રાયલ બાદ તે દવા લોકો માટે ઉપલબ્ધ થશે.
સીડીઆરઆઈના ડિરેક્ટર પ્રોફેસર તપસ કુંડૂએ જણાવ્યું કે, આ દવાઓ ડેંગ્યુના દર્દીઓ પર સંપૂર્ણપણે કારગર નીવડશે. હ્યુમન ટ્રાયલ બાદ દવાને પેટન્ટ કરાવીને તરત જ બજારમાં ઉતારવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં ડેંગ્યુનો મૃતકઆંક ખૂબ જ ઉંચો છે. તેનું કારણ ડેંગ્યુની સારવાર માટે કોઈ ચોક્કસ દવા ઉપલબ્ધ નથી તે કહી શકાય. માત્ર તેના લક્ષણોના આધારે સારવાર કરવામાં આવે છે. તેવામાં વૈજ્ઞાનિકોનું આ સંશોધન દેશની સાથે સાથે સમગ્ર વિશ્વના દર્દીઓ માટે ખૂબ મહત્વનું ગણાઈ રહ્યું છે.SSS