બાકી રહી ગયેલા ધારાસભ્યો- આગેવાનોની બોર્ડ નિગમોમાં નિમણુક કરાશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/BJP-MP.jpg)
નવા મંત્રી મંડળ માટે ત્રણ-ચાર મહિના કસોટીરૂપ ઃ જૂથવાદ, પ્રજાલક્ષી કામગીરીમાં બેદરકારી ભા.જ.પ હાઈકમાન્ડ ચલાવી લેશે નહી તેવો સ્પષ્ટ નિર્દેશ
(પ્રતિનિધિ) અમદાવાદ, ભા.જ.પ. હાઈકમાન્ડે ગુજરાત સરકારમાં ધરમૂળથી ફેરફાર કરી નાંખ્યો છે તમામ નવા મંત્રીઓએ શપથ લઈ લીધા પછી તુરત જ કામગીરી સંભાળી લીધી છે ભા.જ.પ. માટે ગુજરાત એક પ્રયોગશાળા સમાન રહયુ છે. ભા.જ.પ હાઈકમાન્ડનો મંત્રીમંડળમાં “નો-રીપીટ”નો પ્રયોગ કેટલો સફળ રહેશે તેનો ખ્યાલ આગામી દિવસોમાં આવશે.
સામાન્ય રીતે કોઈપણ નવા ધારાસભ્યને કામ કરવાની તક મળે તો તેનું પરફોર્મન્સ બતાવી શકે છે તેથી જ આગામી ત્રણ-ચાર મહિના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને તેમના નેતૃત્વ હેઠળના નવા મંત્રી મંડળની કસોટીરૂપ રહેશે.
બીજી તરફ જે ધારાસભ્યોનો સમાવેશ થયો નથી કે અમુક આગેવાનોનો સમાવેશ થયો નથી તે તમામને આગામી દિવસોમાં બોર્ડ- નિગમોમાં જગ્યા મળશે તેવુ અનુમાન છે. જુના-નવા સાથે આગેવાનોને તેમના કદ પ્રમાણે જવાબદારી સોંપવામાં આવશે તો જે નવા મંત્રીઓ છે
તેમને પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ટીકિટ જાેઈતી હશે તો પ્રજાકીય કામગીરી કરવી પડશે. ટૂંકમાં નવી ચૂંટણી પહેલા ધારાસભ્ય હોય કે હોદ્દેદાર, જુનિયર હોય કે સિનિયર આગેવાન સૌ કોઈએ દોડવુ પડશે પ્રજાના પ્રશ્નો કે સમસ્યાઓના નિરાકરણ માટે બહાર આવવુ પડશે
અત્યાર સુધી સુસ્તી દર્શાવનારા સભ્યોએ સતત ડરવુ પડશે કારણ કે ભા.જ.પ હાઈકમાન્ડ મક્કમ થઈ ગયુ છે જાે પ્રજાકીય કામોથી દુર રહયા, જૂથવાદ વકરાવ્યો છે તો ગમે તેવા મોટામાથાને સાઈડ ટ્રેક કરી નાંખવામાં આવશે. જાેકે જે કોઈ બાકી હશે તો તેમને બોર્ડ નિગમમાં સંભવત જવાબદારી સોંપી દેવાશે. જયારે અમુક સિનિયર આગેવાનોનો ચૂંટણીની જવાબદારી સોંપીને ઉપયોગ કરાય તેવી શક્યતાઓ છે.