Western Times News

Gujarati News

છેલ્લા એક મહિનાથી ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં એક પણ કોરોના પોઝીટીવ દર્દી દાખલ થયેલ નથી

કોરોનાકાળમાં એક લાખથી વધુ દર્દીઓએ ૧૨૦૦ બેડ હોસ્પિટલની ઓ.પી.ડી. સેવાનો લાભ મેળવ્યો :સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી

સિવિલ હોસ્પિટલ કોરોના રસીકરણ કેન્દ્રમાં અત્યારસુધીમા  રસીના ૪૦૩૭૫ ડોઝ આપવામાં આવ્યા

કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ આવતા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ૧૨૦૦ બેડ મહિલા અને બાળ રોગ હોસ્પિટલની સેવાઓ પૂર્વવત કરીને બાળરોગ અને મહિલા લગતી બિમારીઓમાં અલાયદી સેવાઓનો પુન:આરંભ કરાવવામાં આવ્યો છે. છેલ્લા એક મહિનાથી ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં એક પણ કોરોના પોઝીટીવ દર્દી નવા દાખલ થયેલ નથી.

હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે જરૂર પડ્યે ૨૦૦ બેડની અલાયદી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. સંભવિત ત્રીજી લહેરના તમામ પડકારો ઝીલવા માટે પણ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ હોવાનું સિવિલ સુપ્રીટેન્ડેન્ટે ઉમેર્યુ હતુ.

૧૬મી જાન્યુઆરી ૨૦૨૧ થી સમગ્ર દેશમાં શરૂ થયેલ કોરોના રસીકરણ અભિયાન હેઠળ સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં અત્યારસુધીમાં ૪૦૩૭૫ લોકોને કોરોના સામે સલામતી આપતી રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી કોવિશિલ્ડના ૩૯૨૫૧ તથા કોવેક્સિનના ૧૧૨૪ ડોઝ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે.

ગઇ કાલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસના અવસરે સમગ્ર રાજ્યમાં વેક્સિનેશન મેગાડ્રાઇવનું આયોજન થયુ હતુ. જેના ભાગરૂપે અમદાવાદ સિવિલમાં પણ રાત્રે ૧૨ વાગ્યા સુધી કોરોના રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ૨૮૧ દર્દીઓએ કોરોના સામે સલામતી આપતી રસી મૂકાવીને સલામતીનો સંદેશો પાઠવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.